
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જીદમાં સર્વે બાબતે ગત રવિવારે તોફાન ફાટી (Sambhal Violence) નીકળ્યું હતું. મસ્જિદનો સર્વે કરવા આવેલી ટીમ સામે શરુ થયેલો ઉગ્ર વિરોધ હિંસક બની ગયો હતો. પોલીસે કરેલી વળતી કાર્યવાહીમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. અધિકારીઓના મત મુજબ તણાવ હજુ વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
કડક પ્રતિબંધો લદાયા:
સોમવારે પોલીસે સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે અને સપાના વિધાનસભ્ય નવાબ ઈકબાલ મોહમ્મદના દીકરા સુહૈલ ઈકબાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પણ મંગળવાર સુધી લંબાવવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે 1 ડિસેમ્બર સુધી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મસ્જિદ પક્ષના વકીલનો ચોંકાવનારો દાવો:
શહેરમાં પોલીસ ફ્લેગ માર્ચ કાઢી રહી છે અને જામા મસ્જિદની આસપાસના વિસ્તારમાં મોટા પાયે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. મસ્જિદ પક્ષના વકીલ ઝફર અલીએ સોમવારે દાવો કર્યો હતો કે તેઓ આગલા દિવસે યોજાયેલી મીટિંગનો ભાગ હતાં. જેમાં ડીઆઈજી, એસપી અને ડીએમએ ચર્ચા કરી ગોળીબાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે મેં લોકોને અપીલ કરી ત્યારે 75 ટકા લોકો પાછા ફર્યા હતાં. ઘણા લોકો ત્યાં જ રહ્યા કારણ કે તેમને લાગ્યું કે મસ્જિદમાં ખોદકામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે મસ્જિદની ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે અને કેટલાક લોકોએ એવું તારણ કાઢ્યું હતું કે ખોદકામને કારણે આ પાણી નીકળ્યું છે. મેં પોલીસને કર્મચારીઓને ફાયરિંગ કરતા જોયા છે. મસ્જિદ પક્ષે માપ લેવાનો વિરોધ કર્યો હતો અને અધિકારીઓને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર આધાર રાખવાની વિનંતી કરી હતી, પરંતુ તેઓ સંમત થયા ન હતા.
Also Read – સંભલમાં હિંસા બાદ કર્ફ્યૂ જેવી હાલત, 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ…
અત્યાર સુધીમાં 6 નામજોગ અને 2,000થી વધુ અજાણ્યા લોકો સામે કુલ સાત FIR નોંધવામાં આવી છે. રવિવારે સવારે લગભગ 7 વાગ્યે, કોર્ટ દ્વારા નિયુક્ત એડવોકેટ કમિશનર અને તેમની ટીમના છ સભ્યો બીજા તબક્કાના સર્વે માટે મસ્જિદ ગયા હતા. તે જ સમયે અથડામણ પણ શરૂ થઈ. પહેલો સર્વે 19 નવેમ્બરે કરવામાં આવ્યો હતો. એક પૂજારીએ દાવો કર્યો હતો કે મસ્જિદની જગ્યા પર હરિહર મંદિર હતું. તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.