નેશનલ

બ્રિટિશ જેલને તીર્થસ્થળ બનાવી દેનારા મહાન સમાજ સુધારક આચાર્ય વિનોબા ભાવે

દેશના મહાન સમાજ સુધારકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાં જેમનું નામ અગ્રણી અને આદરપૂર્વક લેવાય છે એવા મહાત્મા ગાંધીના પ્રખર અનુયાયી આચાર્ય વિનોબા ભાવેની આજે જન્મ જયંતિ છે. વિનોબા ભાવે ખૂબ જ વિદ્વાન અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. જીવનભર સત્ય અને અહિંસાના માર્ગનું પાલન કર્યું હતું અને ગરીબ અને નિરાધાર લોકો માટે લડ્યા હતા. તેમના મહાન કાર્યો માટે, તેમને 1958 માં પ્રથમ રેમન મેગ્સેસે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે ભારત સરકારે તેમને મરણોત્તર 1983 માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

11 સપ્ટેમ્બર, 1895ના રોજ બોમ્બે પ્રેસિડેન્સી (હવે મહારાષ્ટ્ર)માં જન્મેલા આચાર્ય વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરિ ભાવે હતું. તેમના પિતા નરહરિ શંભુ અને માતા રુક્મિણી દેવી હતા. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા આચાર્ય, તેમની માતાથી ખૂબ પ્રભાવિત હતા. માતાને સંસ્કૃત ગીતા સમજાતી ન હતી, તેથી બાળ વિનોબાએ માતાને બજારમાંથી ગીતાનો મરાઠી અનુવાદ ખરીદી આપ્યો હતો. માતાએ તેમને કહ્યું, ‘દીકરા તું જ ગીતાનો મરાઠીમાં અનુવાદ કેમ નથી કરતો?’ માતાની આજ્ઞા માથે ચઢાવી બાળ વિનોબાએ ગીતાના મરાઠી અનુવાદ કરવાને જ પોતાની દિનચર્યા બનાવી દીધી. આખરે અનુવાદ પૂર્ણ થયો અને પુસ્તકનું નામ રાખવામાં આવ્યું – ગીતાઈ.


1915 માં તેમણે હાઇસ્કૂલની પરીક્ષા પાસ કરી પરંતુ થોડા સમય પછી તેઓ તેમના પારિવારિક જીવનને છોડીને સમાજસેવા માટે નીકળી પડ્યા. એ સમયે દેશમાં ગાંધીની આંધી જોર પકડી રહી હતી. ગાંધીજીના ભાષણો વાંચ્યા, સાંભળ્યા બાદ વિનોબાજીને લાગ્યું કે તેમણે જે ધ્યેય માટે ઘર છોડ્યું હતું તે સિદ્ધ થઈ ગયું છે કારણ કે ગાંધીજી પાસે શાંતિ અને ક્રાંતિ બંને હતા.


અમદાવાદના કોચરબ આશ્રમમાં ગાંધીજીને મળ્યા પછી, તેઓ જીવનભર બાપુના મિત્ર બની ગયા. તેમણે અધવચ્ચે જ શાળા છોડી દીધી હતી પણ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે ગીતા, રામાયણ, મહાભારત, અર્થશાસ્ત્ર, બાઈબલ, કુરાન વગેરેનું અધ્યયન ચાલુ રાખ્યું હતું. વિનોબાજીને 8 એપ્રિલ, 1923ના રોજ વર્ધા મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે ‘મહારાષ્ટ્ર ધર્મ’ માસિકનું સંપાદન શરૂ કર્યું. આ મરાઠી સામયિકમાં, તેમણે ઉપનિષદો અને સંતો પર નિયમિત લખવાનું શરૂ કર્યું, જેના કારણે દેશમાં ભક્તિ આંદોલન શરૂ થયું.


બાપુના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ જેલ વિનોબા માટે તીર્થસ્થાન બની હતી. 1921 થી 1942 સુધી જેલની તેમને ઘણીવાર જેલમાં જવાનો વારો આવ્યો. નાગપુરના ધ્વજ સત્યાગ્રહ, હરિજન સત્યાગ્રહ, મીઠાના સત્યાગ્રહમાં તેઓએ ભાગ લીધો હતો.


દેશની આઝાદીના મહાન ભાગલાને કારણે સમગ્ર ભારતમાં અશાંતિનું વાતાવરણ હતું. તે દરમિયાન આંધ્રપ્રદેશના ભૂમિહાર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું. તેઓ ખેડૂતોને મળવા નાલગોંડાના પોચમપલ્લી ગામમાં પહોંચ્યા હતા. ખેડૂતોએ તેમને કહ્યું કે જો તેને પોતાનું ગુજરાન ચલાવવા માટે થોડી જમીન મળે તો તે જીવનનિર્વાહ કરી શકે છે.


આચાર્યએ ખેડૂતોની માંગણીઓ જમીનદારો સમક્ષ મૂકી અને તેમનાથી પ્રભાવિત થઈને એક જમીનદારે તેમની 100 એકર જમીન દાનમાં આપવાનું નક્કી કર્યું. ધીમેધીમે જમીન સંપાદને એક ચળવળનું સ્વરૂપ લીધું જે વિનોબા ભાવેના નેતૃત્વમાં 3 વર્ષ સુધી ચાલ્યું. ચળવળ દરમિયાન તેમણે ઘણી જગ્યાએ પ્રવાસ કર્યો અને લગભગ 13 લાખ ગરીબ ખેડૂતો માટે 44 લાખ એકર જમીન સંપાદિત કરીને મદદ કરી. દિવાળીના દિવસે 15 નવેમ્બર 1982ના રોજ વર્ધામાં તેમનું અવસાન થયું હતું. દેશના આ પ્રખર સમાજ સુધારકને તેમની જન્મ જયંતિએ શત શત વંદન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button