નવી દિલ્હી: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગટે (Vinesh Phogat) પેરીસ ઓલમ્પિકમાં મેદાન ન જીતી શકવા છતાં દેશવાસીઓના દીલ જીતી લીધા છે. અગાઉ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના પૂર્વ પ્રમુખ બ્રીજ ભૂષણ સિંહ પર મહિલા રેસલર્સની જાતીય સતામણીના આરોપ લાગ્યા હતા ત્યારે પીડિતાને ન્યાય આપવવાના પ્રદર્શનમાં વિનેશે આગળ પડતી ભૂમિકા ભજવી હતી. પેરીસથી પરત ફર્યા બાદ હવે વિનેશે શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન(farmers protest at Shambhu border)માં હાજરી આપી હતી, અને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું.
મીનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) માટે કાયદાકીય ગેરંટી અને અન્ય પડતર માંગો સાથે હરિયાણા-પંજાબને જોડતી શંભુ બોર્ડર પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી તરફ કૂચ કરતા અટકાવ્યા બાદ ખેડૂતો ગત 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર પડાવ નાખીને બેઠા છે. ખનૌરી અને રતનપુરા બોર્ડર પર પણ વિરોધ પ્રદર્શન થવાના છે.
આજે વિનેશ ફોગાટે સંભુ બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનમાં હાજરી આપી હતી, ખેડૂતોએ વિનેશનું સન્માન કર્યું હતું. સંભુ બોર્ડર પર વિનેશે કહ્યું કે “ખેડૂતો અહીં બેઠા છે તેને 200 દિવસ થઈ ગયા છે. આ જોઈને દુઃખ થાય છે. આ બધા આ દેશના જ નાગરિક છે. ખેડૂતો દેશ ચલાવે છે. તેમના વિના કંઈ જ શક્ય નથી, એથ્લેટ્સ પણ નહીં – જો તેઓ અમને અન્ન પૂરું નહીં પાડે તો અમે રમી ન શકીએ. અમે ઘણી વખત નિઃસહાય હોય એવું લાગે છે. અમે વૈશ્વિક સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ પરંતુ અમે ખેડૂતોને ઉદાસ જોઈને કંઈ કરી શકતા નથી. સરકારે તેમની માંગ સાંભળવી જોઈએ. જો આ લોકો આ જ રીતે રસ્તા પર બેસી રહેશે, તો દેશની પ્રગતિ નહીં થાય.”
ખેડૂતો પ્રત્યે સમર્થન વ્યક્ત કરતાં વિનેશ ફોગાટે કહ્યું, “ખેડૂતો તેમના હક માટે લાંબા સમયથી અહીં બેઠા છે, પરંતુ તેમની ઉર્જા હજુ પણ ઓછી થઈ નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારો જન્મ ખેડૂત પરિવારમાં થયો છે. તમારી પુત્રી તમારી સાથે છે. આપણે આપણા અધિકારો માટે અડગ રહેવું પડશે, કારણ કે બીજું કોઈ આપણા માટે અવાજ નહીં ઉઠાવે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી માંગણીઓ સંતોષાય, અને જ્યાં સુધી તમને તમારો અધિકાર ન મળે ત્યાં સુધી પાછા ન હટતા.”
વિનેશે કહ્યું કે ‘જ્યારે આપણે આપણી માંગણીઓ માટે અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે દરેક વખતે એ બાબત રાજકીય નથી હોતી. એ હંમેશા જાતિ અથવા અન્ય કોઈ બબતને લાગતું નથી હોતું. હું પ્રાર્થના કરું છું કે તમને તમારો અધિકાર મળે અને દીકરીઓ તમારી સાથે છે.”
અમૃતસર જિલ્લાના ખેડૂત નેતા બલદેવ સિંહ બગ્ગાએ દાવો કર્યો હતો કે સરકાર સાથે વાતચીત કરવાના પ્રયાસોનો કોઈ જવાબ મળ્યો નથી.
તેમણે કહ્યું કે “ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને વારંવાર પત્ર લખ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. મોદી તેમના કાર્યકાળના 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, અમારી માંગણીઓ પર ધ્યાન આપવાને બદલે, સરકાર ખેડૂતોના અવાજને દબાવવાનું કામ કરી રહી છે.”