રાજકારણના અખાડામાં વિનેશ ફોગાટની જીત: ભાજપના ઉમેદવારને હરાવ્યા
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી અમુક બેઠક પર પૂર્ણ થઈ ગઈ છે. સૌની નજર હરિયાણાની જે ટોપ સીટ જુલાના પર હતી, જ્યાંથી કોંગ્રેસે રેસલર વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા હતા. વિનેશ ફોગટ આ બેઠક પરથી જીતી ગયા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર યોગેશ બૈરાગીને હરાવ્યા છે. ગત ચૂંટણીમાં અમરજીતે ભાજપના ઉમેદવારને હરાવીને આ બેઠક જીતી હતી.
રમતના મેદાન બાદ રાજનીતિના મેદાનમાં ઊતરેલ રેસલર વિનેશ ફોગટે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. કોંગ્રેસે જુલાનાથી વિનેશને ટિકિટ આપી હતી. તેમણે ભાજપના યોગેશ કુમારને હરાવ્યા છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે ભાગ લીધો હતો. તે 50 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે આખા દેશને આશા હતી કે ગોલ્ડ મેડલ આવશે. પરંતુ ફાઈનલ પહેલા વિનેશનું વજન 100 ગ્રામ વધી જતાં તે ગેરલાયક ઠરી હતી.
આ પણ વાંચો : Julana બેઠક પર કોંગ્રેસને ફટકો; વીનેશ ફોગટને પાછળ છોડી ભાજપ આગળ
પેરિસ ઓલિમ્પિક બાદ વિનેશ ફોગટની સાથે બજરંગ પુનિયા પણ કોંગ્રેસમાં જોડાયા હતા. બજરંગ પુનિયા 2020 ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને લાવ્યા હતા. વિનેશની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘દેશની દીકરી વિનેશ ફોગટને તેની જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. આ લડાઈ માત્ર એક જુલાના બેઠક માટે નહોતી, માત્ર 3-4 ઉમેદવારો સાથે નહોતી કે માત્ર પક્ષો વચ્ચેની જ લડાઈ નહોતી. આ લડાઈ દેશની સૌથી સશક્ત દમનકારી શક્તિઓ સામે હતી. અને આમાં વિનેશ વિજેતા બની છે.