વીનેશ ફોગાટને જુલાના બેઠક પરથી કોંગ્રેસે બનાવ્યા ઉમેદવાર; બજરંગ પુનિયા માત્ર પ્રચાર કરશે…
નવી દિલ્હી: રેસલર વીનેશ ફોગાટે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પંજાનો સાથ લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિનેશ ફોગાટ જુલાના વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે, જ્યારે બજરંગ પુનિયા ચૂંટણી નથી લડવાના. હરિયાણા વિધાનસાભા ચૂંટણીને લઈને કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. અત્યારસુધીમાં કુલ 71 બેઠકો પર સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે આ દરમિયાન બજરંગ પુનિયા બાદલીથી ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ છે પરંતુ વર્તમાન સ્થિતિથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તેઓ હાલ ચૂંટણી નહિ લડે પણ માત્ર પ્રચાર સાથે જ જોડાયેલા રહેશે.
ઉલ્લેખનીય છે કે કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં જોડાયા છે. વિનેશ ફોગાટ અને બજરંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના નિવાસસ્થાન પર મળ્યા હતા. ત્યારબાદ તેઓ AICC મુખ્યાલયમાં કોંગ્રેસ મહાસચિવ પ્રભારી સંગઠન કેસી વેણુગોપાલ, AICC મહાસચિવ પ્રભારી હરિયાણા દીપક બાબરિયા, હરિયાણા કોંગ્રેસના વડા ઉદય ભાન અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
આ દરમિયાન કેસી વેણુગોપાલે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ વીનેશ ફોગાટને રેલવે તરફથી એક નોટિસ પાઠવવામા આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરીને વીનેશે સેવા નિયમોનો ભંગ કર્યો છે. જો કે રેલવે દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે વીનેશે રેલવેના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાથી રેલવે દ્વારા આવી કોઇ જ નોટિસ નથી પાઠવવામા આવી.
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવાને કેસી વેણુગોપાલે એક મોટો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બંનેનું પાર્ટીમાં સ્વાગત કરવું અમારા માટે ગર્વની વાત છે. તેમના વિરોધ પ્રદર્શનમાં આખા દેશે સાથ આપ્યો હતો.