વાળનું વજન 300 ગ્રામ હોય, વિનેશે કપાવી નાખવા જોઈતા હતા…સસરાજીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
રોહતક: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત માટે બુધવારની સવાર નિરાશ કરનારી હતી. કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વજન ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી જેને કારણે તે ફાઇનલ મુકાબલાથી (ગોલ્ડ કે સિલ્વર મેડલથી) વંચિત રહી ગઈ. ફાઇનલ બાઉટ પહેલાં જરૂરી વજનની ચકાસણીમાં તેનું વજન નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ હોવાને લીધે તેને ગેરલાયક ઠરાવવામાં આવી છે.
વિનેશે પોતાની કૅટેગરીને અનુરૂપ વજન રહે એ માટે મંગળવાર રાતથી જ વજન ઘટાડવામાં વ્યસ્ત હતી. તેણે અન્ય કેટલાક ઉપાય અજમાવવાની સાથે થોડા વાળ પણ કપાવ્યા હતા. જોકે વિનેશના સસરા રાજપાલ રાઠીની પ્રતિક્રિયા બહાર આવી છે.
આ પણ વાંચો :Paris Olympic: વિનેશ ફોગાટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, શું થયું વિનેશને?
રાજપાલ રાઠીએ એક જાણીતી ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું, ‘આમાં કંઈક ષડયંત્ર રચાયું હોવાની વાતને નકારી ન શકાય. માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે તેને ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી છે. માથાનાં વાળનું વજન 300 ગ્રામ જેટલું હોય. એવું જ હતું તો તેણે બધા વાળ કપાવી નાખવા જોઈતા હતા.’
વિનેશ ફોગાટના લગ્ન સોમવીર રાઠી નામના કુસ્તીબાજ સાથે થયા છે.
વિનેશે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી જાપાનની યુઇ સુસાકીને હરાવી હતી. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં તેણે યુક્રેનની યુરોપિયન ચૅમ્પિયન ઑક્સાના લિવાચને અને પછી સેમિ ફાઇનલમાં ક્યૂબાની યુસ્નેલિસ ગુઝમૅન લૉપેઝને પરાજિત કરી હતી.