
અયોધ્યામાં હાલમાં ખૂબ જ ધામધૂમપૂર્વક શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને 22મી જાન્યુઆરીએ રામલલ્લા ગાદીએ બિરાજમાન થશે. દરમિયાન અયોધ્યામાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામલીલામાં વિંદુ દારા સિંહ પણ મહત્ત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
વિંદુ દારા સિંહ રામલીલામાં ભગવાન શિવની ભૂમિકા કરવા જઈ રહ્યા છે અને આ માટે તેઓ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. અભિનેતાએ પોતાને આ તક મળી એ માટે ખુશી વ્યક્ત કરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે વિંદુ દારા સિંહના પિતા દારા સિંહ રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં વિંદુએ જણાવ્યું હતું કે મને 16મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી અયોધ્યામાં રામલીલામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યો છે અને હું આ રામલીલામાં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહ્યો છું.
વિંદુએ આગળ જણાવ્યું હતું કે અયોધ્યા દુનિયાનું ટોચનું ધાર્મિક સ્થાન બની જશે. એવું કહેવાઈ રહ્યું છે કે કળિયુગમાં સતયુગનું આગમન થઈ રહ્યું છે. વિંદુ સિવાય એક્ટર રાકેશ બેદી પણ અયોધ્યામાં થઈ રહેલી રામલીલામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
આખો દેશ અત્યારે રામમય થઈ ગયો છે અને આતુરતાપૂર્વક શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોઈ રહ્યો છે અને એ માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી રહ્યો છે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં દેશ-વિદેશથી મહેમાનો આવશે અને ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થશે.