
પીએમ મોદીએ વિકસિત ભારત 2047ના લક્ષ્ય માટે ગ્રામીણ વિસ્તારોને મજબૂત અને સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો છે. આ તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘ગ્રામીણ ભારત મહોત્સવ 2025’નું ઉદ્ઘાટન કર્યું હતું અને અહીંના કારિગરો સાથે વાત પણ કરી હતી. આ વર્ષે ગ્રામીણ મહોત્સવની થીમ ગામનો વિકાસ તો દેશનો વિકાસ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમ ખાતે 4 થી 9 જાન્યુઆરી સુધી ચાલશે.
આ પ્રસંગે યોજવામાં આવેલા કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે , “2014 થી, હું સતત, દરેક ક્ષણ, ગ્રામીણ ભારતની સેવામાં રોકાયેલો છું. ગ્રામીણ લોકોને ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવું એ મારી સરકારની પ્રાથમિકતા છે. અમારું વિઝન ગામોને સમૃદ્ધ બનાવવાનું છે. ગ્રામીણ લોકોને તેમના ગામમાં જ પ્રગતિ કરવાની વધુને વધુ તકો મળવી જોઇએ. તેમને શહેરોમાં સ્થળાંતર કરવાની જરૂર જ ના પડવી જોઇએ. તેથી જ અમારી સરકારે દરેક ગામમાં પાયાની સુવિધાઓની ખાતરી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. “
તેમણે કહ્યું હતું કે 2014થી કેન્દ્ર સરકાર સતત ગ્રામીણ ભારતની સેવામાં લાગેલી છે અને તેના સંતોષકારક પરિણામ પણ જોવા મળ્યા છે, કારણ કે જ્યારે ઈરાદા સારા હોય છે તો પરિણામ પણ સંતોષકારક હોય છે.
કેન્દ્ર દ્વારા ગ્રામીણો માટે બનાવેલી યોજનાઓ વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ગામના દરેક વર્ગ માટે વિશેષ નીતિઓ બનાવી છે. તેમની કેબિનેટે ‘PM પાક વીમા યોજના’ને વધુ એક વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ગામના લોકો ખએતી ઉપરાંત વિવિધ પ્રકારની પરંપરાગત કળા પણ જાણતા હોય છે અને તેઓએ ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સ્થાનિક અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપ્યું છે, પણ અગાઉની સરકારોમાં તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી. અમે તેમના માટે પીએમ વિશ્વકર્મા યોજના ચલાવી રહ્યા છીએ. આ યોજના દેશના લાખો વિશ્વકર્મા સહભાગીઓને પ્રગતિ કરવાની તક આપી રહી છે. અગાઉની સરકારોએ અગાઉની સરકારોએ SC-ST અને OBCની જરૂરિયાતો પર ધ્યાન આપ્યું ન હતું, જેને કારણે દેશમાં ગરીબી વધતી રહી અને ગામ અને શહેર વચ્ચેનું અંતર વધતું રહ્યું, પણ અમે આ અંતર ઘટાડવાનું કામ કર્યું છે અને દાયકાઓથી વંચિત રહેલા વિસ્તારોને હવે સમાન અધિકાર મળી રહ્યા છે.
આ પણ વાંચો…ચાંદની હત્યા કેસનો આરોપી ફરારઃ 2007ની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી
ગ્રામીણ વિકાસનો પુરાવો આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “ગઈકાલે જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ આવ્યો, જે મુજબ 2012માં ભારતમાં ગ્રામીણ ગરીબી લગભગ 26 ટકા હતી. જ્યારે 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી ઘટીને 5 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે.”