ટોપ ન્યૂઝનેશનલ

પહેલગામ હુમલાનો જવાબ, “સિંધુ જળ સમજૂતી મોકૂફ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે…

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ મુદ્દે અધિકારીઓ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. તે જ સમયે, આજે બુધવારે વિદેશ મંત્રાલયે પણ પહેલગામ આતંકવાદી હુમલા અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

સિંધુ નદી જળ સંધિ મોકૂફ
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી જળ સંધિને મોકૂફ રાખવામાં આવશે. અટારી બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે તેમજ જે પાકિસ્તાની નાગરિકો ભારતમાં છે તેમને 1 મે સુધીમાં ભારત છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે.

વિઝા રદ કરવાનો નિર્ણય
તે ઉપરાંત સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પાકિસ્તાની નાગરિકોને ભારતની મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા કોઈપણ SPES વિઝા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. SPES વિઝા હેઠળ હાલ ભારતમાં હોય તેવા પાકિસ્તાની નાગરિક ભારત છોડવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય
પાકિસ્તાની નાગરિકો માટે વિઝા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યું છે અને પાકિસ્તાની રાજદ્વારીઓને ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. સરકારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસ પરથી તમામ સુરક્ષા દળોને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પાછા ખેંચશે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ કરવામાં આવે છે.

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, CCS એ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તમામ દળોને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ હુમલાના ગુનેગારોને છોડવામાં નહિ આવે. તહવ્વુર રાણાના તાજેતરના પ્રત્યાર્પણની જેમ, ભારત આતંકવાદી કૃત્યો કરનારા અથવા તેમને શક્ય બનાવવા માટે કાવતરા ઘડનારાઓની વિરુદ્ધ કાર્યવાહી યથાવત રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button