‘જો પાકિસ્તાનનો અહંકાર સંતોષાતો હોય તો…’ ભારતીય રાજદૂતે ખરીખોટી સંભળાવી

નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની કમર તોડી નાખી છે. બીજી તરફ પાકિસ્તાના વડાપ્રધાને એવા દાવા કર્યા હતાં કે તેની સેનાએ ભારતમાં રફાલ ફાઈટર જેટ તોડી પાડ્યા હતાં. ભારતીય સેનાએ આવા તમામ દાવા ફગાવી દીધા હતાં. યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પાકિસ્તાનના આવા દાવાઓને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતાં.
એક ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન પાકિસ્તાનને જવાબ આપતા વિક્રમ દોરાઈસ્વામીએ કડક શબ્દોમાં કહ્યું, “તેઓ શા માટે બદલો લઈ રહ્યા છે? તેઓ આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓનો બદલો લઈ રહ્યા છે… આનાથી પાકિસ્તાન સરકારના આતંકવાદી જૂથો સાથેના તેમના સંબંધો જાહેર થયા છે.”
દોરાઈસ્વામીએ સ્પષ્ટતા કરી કે ભારતે વધુ તણાવ ટાળવા માટે પાકિસ્તાનના કોઈપણ લશ્કરી સ્થળ કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા ન હતાં. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને PoKમાં ભારતના હુમલા ચોક્કસ, લક્ષ્યાંકિત, વાજબી અને પ્રમાણસર હતાં.
ત્યાર બાદ તેમણે પાકિસ્તાન એવા દાવા ફગાવી દીધા હતાં કે તેમણે ચીની બનાવટના ફાઇટર જેટનો ઉપયોગ કરીને ભારતીય વિમાનને તોડી પાડ્યું હતું. દોરાઈસ્વામીએ કહ્યું, “જો આવા દાવાથી પાકિસ્તાનનો અહંકાર સંતોષાતો હોય તો તેમણે વાત વધારવાની જરૂર ન હતી. પાકિસ્તાને એવું ન કર્યું, અને તેમણે મામલો વધુ ખરાબ કરવાનું કામ કર્યું.”
દોરાઈસ્વામીએ કહ્યું.”છેલ્લા 15 દિવસથી, તેઓ LoC પર તોપમારો પણ કરી રહ્યા છે… જેના કારણે ભારતીય નાગરિકોના મોત થયા છે.” ગઈ કાલે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના ઓછામાં ઓછા 15 શહેરો પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ભારતીય સેનાને પાકિસ્તાનના ડ્રોન્સ અને મિસાઈલ્સ તોડી પાડ્યા હતાં.
આપણ વાંચો : પાકિસ્તાન સદીઓ સુધી હુમલાને યાદ રાખશે, અવળચંડાઈ બંધ નહીં કરે તો ગાઝા બનાવી દઈશુંઃ એક્સપર્ટ