
અયોધ્યા: આજે ચૈત્ર મહિનાની નવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રીરામનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. આજે રામનવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં તેનો અનેરી રોનક છે અને ભગવાન રામના જન્મોત્સવનાં સાક્ષી બનવા માટે અને તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હજારો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.
જો કે બીજી તરફ રામ મંદિરથી લઈને દેશનાં અનેક વૈષ્ણવ પરંપરાના મંદિરોમાં રામ પ્રાગટ્યોત્સવનો આનંદ ચરમસીમાએ પહોંચી ગયો છે. રામ નવમીના અવસર પર બરાબર બપોરે 12 વાગ્યે, ઘંટ અને ઢોલના નાદ વચ્ચે રામલલાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામનવમીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરીને પુષ્પો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ અને રામ મંદિરના મુખ્ય દ્વારને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના 42 શહેરોમાં એલર્ટ
મિશ્ર વસ્તીવાળા ઉત્તર પ્રદેશના 42 શહેરોમાં રામ નવમીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વધારાનો પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ફ્લેગ માર્ચ કાઢીને લોકોને નિશ્ચિંત કર્યા હતા.
બંગાળમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ મોડ પર
રામ નવમીની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ પણ ખૂબ જ સંવેદનશીલ રાજ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રામ નવમીના અવસર પર વિવિધ શહેરોમાં સાંપ્રદાયિક તણાવનાં બનાવો બન્યા હતા. આથી પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સરકાર બંને એલર્ટ મોડ પર છે. હિંદુ સંગઠનોને શોભાયાત્રા કાઢવા મુદ્દે મંજૂરી મળતા સમગ્ર રાજ્યમાં અનેક શભાયાત્રાઓ કાઢવામાં આવે તેવી શક્યતા છે. પાટનગર કોલકાતામાં જ 50 થી વધુ રામ નવમી શોભાયાત્રા કાઢવામાં આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ મોટી શોભાયાત્રાનો સમાવેશ થાય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે.
આ સંદર્ભે કોલકાતામાં વધારાના 5,000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. હાવડા, સિલિગુડી, માલદા, મુર્શિદાબાદ, કૂચ બિહાર, ઇસ્લામપુર, આસનસોલ-દુર્ગાપુર, બેરકપોર અને ચંદનનગર સહિત રાજ્યનાં લગભગ 10 જિલ્લાઓને સંવેદનશીલ ગણીને, રામ નવમી માટે અહીં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આપણવાંચો: દેશમા વકફ સંશોધન બિલ હવે કાયદો બન્યો, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, જાણો કયારથી લાગુ થશે