VIDEO: લદાખમાં ચીનના સૈનિકોએ કરી નાપાક હરકત?: કોંગ્રેસે વીડિયો શેર કરી કર્યો મોટો દાવો
રાહુલ ગાંધી અને વિપક્ષના અન્ય નેતાઓ છેલ્લા કેટલાક સમયથી દાવો કરી રહ્યા છે કે, ચીનના સૈનિકો લદાખ વિસ્તારમાં ભારતીઓ સીમામાં ઘુસી આવ્યા છે, પરંતુ સરકાર સતત આવા દાવાને નકારી રહી છે. એવામાં કોંગ્રેસે એક વિડીયો શેર કર્યો છેમ, સાથે દાવો કર્યો છે કે ચીનના સૈનિકોએ લદાખ વિસ્તારમાં ભારતીય પશુપાલકોને રોક્યા અને તેમની સાથે દલીલ કરી.
કોંગ્રેસ પાર્ટીએ તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચીની સૈનિકો પશુપાલકોસાથે દલીલ કરતા અને તેમને રોકતા જોવા મળે છે. પશુ પલકો તેમના પ્રાણીઓ સાથે જોવા મળે છે.
લદ્દાખમાં ભારતીય પશુપાલકોને રોકવા અને તેમની સાથે દલીલ કરવાનો વીડિયો શેર કરતી વખતે કોંગ્રેસ પાર્ટીએ લખ્યું છે કે, ‘ચીન તેની હરકતો છોડી રહ્યું નથી, હવે લદ્દાખમાંથી એક વીડિયો આવ્યો છે. આ વીડિયોમાં ચીની સૈનિકો પશુપાલકોનેને આપણી જમીન પર આગળ જતા અટકાવી રહ્યા છે. ચીની સૈનિકોએ પશુપાલકો સાથે બોલાચાલી પણ કરી હતી.’
વીડિયો સાથે કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠવાતા કહ્યું કે, ‘ચીનની હિંમત કેવી રીતે થઇ? આપણી જમીન પર પગ મૂકવાની હિંમત કેવી રીતે કરી? શું વડાપ્રધાન મોદી આ વખતે પણ ચીનને ક્લીનચીટ આપશે અને કહેશે કે કોઈ ઘુસ્યું નથી? સરકારે આ નાપાક કૃત્ય પર ચીનને કડક સંદેશ આપવો જોઈએ.’
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકો અને પૂર્વ લદ્દાખના સ્થાનિક પશુપાલકો વચ્ચે પશુઓને ગોચરમાં લઈ જવાને બાબતે થયેલા વિવાદનો આ વીડિયો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાનો છે. ગ્રામીણોએ ચીની સૈનિકો સાથે ઘણી દલીલ કરી અને ચીની સૈનિકોના વાહન પર પથ્થરમારો પણ કર્યો. વીડિયોમાં ચીની સૈનિકો સમગ્ર ઘટનાને ફોનમાં રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ પશુપાલકોને પણ પાછા જવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં ચીની સૈનિકોના બખ્તરબંધ વાહનો પણ જોઈ શકાય છે.
અગાઉ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ લદાખની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે.