વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: એક દિવસમાં ₹ ૧.૫૬ લાખ કરોડના ૪૭ એમઓયુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ ૪૭ એમઓયુ કરવામાં આવ્યા છે.
વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે એમઓયુ કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે ૭.૫૯ લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે.
રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે, તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની ૧૪ શૃંખલાઓમાં ૧૦૦ એમઓયુ સાથે રૂ. ૧.૩૫ લાખ કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત આજે એમ.ઓ.યુ. હસ્તાક્ષરની ૧૫મી શૃંખલામાં ૪૭ એમઓયુ સાથે રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી ૧૪૭ એમઓયુ સાથે રૂ. ૨.૯૧ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયાં છે. બુધવારે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત મુખ્ય ક્ષેત્રો પૈકી એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ. ૫૦,૪૫૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૯૭૧૦ રોજગારનું સર્જન થશે. ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ ક્ષેત્રમાં રૂ. ૨,૯૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૧.૫૨ લાખ રોજગારનું સર્જન, ફાયનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રમાં રૂ. ૫૦,૫૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૫.૫૦ લાખ રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ. ૯,૬૪૫ કરોડના અંદાજિત રોકાણ સાથે ૨૮૯૫ રોજગારનું સર્જન, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રૂ. ૨૨,૮૨૪ કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે ૪૧,૪૩૦ રોજગારનું સર્જન, હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રમાં રૂ. ૧૧,૦૨૨ કરોડથી વધુના રોકાણ સાથે ૬,૨૦૦ રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. ૮૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૮૦૦ રોજગારનું સર્જન થશે.
આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવત: ૨૦૨૩થી ૨૦૨૮ વચ્ચે કાર્યરત કરશે. કચ્છ, ભરૂચ, ખેડા, અમદાવાદ, મહેસાણા, અમરેલી, વડોદરા, સુરત, પંચમહાલ, સાણંદ, ગાંધીનગર, ડાંગ, નવસારી અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થશે.