નેશનલ

વાઇબ્રન્ટ ગુજરાત આજે વટવૃક્ષ બની ગયું છે: મોદી

‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના ૨૦ વર્ષની ઉજવણી

ચા પીઓ: ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના ૨૦ વર્ષની પૂર્તિ નિમિત્તે અમદાવાદમાં બુધવારે સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ચા સર્વ કરી રહેલો રૉબોટ. (એજન્સી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ૨૦ વર્ષ પહેલા અમે એક નાનું અમથું બીજ રોપ્યું હતું. જે આજે એટલું વિશાળ વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનું આયોજન માત્ર નથી પરંતુ તેનાથી વિશેષ બોન્ડિંગનું આયોજન છે એવું ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમદાવાદમાં આવેલા સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું.

મંગળવારે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચેલા વડા પ્રધાને એરપોર્ટ નજીક નારી શક્તિ સંમેલનને સંબોધન કર્યા બાદ બુધવારે સાયન્સ સિટી ખાતેના આ કાર્યક્રમમાં બોલતા વધુમાં કહ્યું હતું કે, વિશ્ર્વ માટે આ સફળ સમિટ એક બ્રાન્ડ હોઇ શકે છે, પરંતુ મારા માટે આ મજબૂત બોન્ડનું પ્રતીક
છે. આ એ બોન્ડ છે જે મારા અને ગુજરાતના સાત કરોડ નાગરિકોના સામર્થ્ય સાથે જોડાયેલો છે. આ એ બોન્ડ છે જે મારા માટે તેના અપાર સ્નેહ પર આધારિત છે. આજે મને સ્વામી વિવેકાનંદની એક વાત યાદ આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, દરેક કામને ત્રણ ચરણોમાંથી ગુજરવું પડે છે. પહેલા લોકો તેનો ઉપહાસ ઉડાવે છે, પછી તેનો વિરોધ કરે છે અને પછી તેનો સ્વીકાર કરી લે છે. ખાસ કરીને ત્યારે જ્યારે એ વિચાર એ સમય કરતા આગળ હોય છે. ૨૦ વર્ષ એક લાંબો કાલખંડ હોય છે.

૨૦૦૧માં આવેલા ભીષણ ભૂકંપ બાદ ગુજરાતની સ્થિતિ શું હતી. ભૂકંપ પહેલા પણ ગુજરાત લાંબા સમય સુધી અકાળની ભયંકર સ્થિતિ સામે ઝઝૂમી રહ્યું હતું. ત્યારબાદ ભૂકંપ આવ્યો જેમાં હજારો લોકોનાં મોત થયાં અને લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા. તેમણે તેમના ઘર છોડવા પડ્યાં. અકાળ અને ભૂકંપ ઉપરાંત એ સમયે ગુજરાતમાં એક મોટી ઘટના થઇ. માધવપુરા મર્કન્ટાઇલ બેન્ક કોલેપ્સ થઇ. તેના કારણે ૧૨૩ કો-ઓપરેટિવ બેન્કમાં તોફાન છવાઈ ગયું. સમગ્ર ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર મચ્યો હતો. એક તરફથી ગુજરાતનું ફાઇનાન્સિયલ સેક્ટર સંકટમાં આવી ગયું હતું. એ સમયે હું પહેલીવાર મુખ્ય પ્રધાન બન્યો હતો પડકાર મોટો હતો ત્યારબાદ ગોધરાની હૃદયદ્રાવક ઘટના બની અને ત્યારબાદ ગુજરાત હિંસાની આગમાં સળગી ઉઠ્યું હતું. આવી વિકટ સ્થિતિની કોઇએ કલ્પના કરી હશે! મુખ્ય પ્રધાન તરીકે ભલે મારી પાસે વધુ અનુભવ ન હતો, પરંતુ મારો ગુજરાત પર અને ગુજરાતના લોકો પર અતૂટ વિશ્ર્વાસ હતો.

જે લોકો એજન્ડા લઇને ચાલે છે એ લોકો એ સમયે પણ ઘટનાઓનું પોતાની રીતે એનાલિસિસ કરવામાં લાગ્યા હતા. એવું કહેવામાં આવ્યું કે, ગુજરાતમાંથી યુવાઓ, ઉદ્યોગ, વ્યાપારી બધા પલાયન કરી જશે. ગુજરાત એવું બરબાદ થશે કે દેશ માટે બોજ બની જશે. ગુજરાતને દુનિયામાં બદનામ કરવાના કાવતરાં કરવામાં આવ્યા હતા અને નિરાશાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરાયો. કહેવામાં આવ્યું કે, ગુજરાત ક્યારેય પગભર નહીં થઇ શકે. એ સંકટમાં પણ મે સંકલ્પ લીધો કે ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય ગુજરાતને તેમાંથી બહાર કાઢીને રહીશ. અમે ગુજરાતનું પુન: નિર્માણ જ નહીં તેની આગળનું પણ વિચારી રહ્યા હતા અને તેનું પ્રમુખ માધ્યમ અમે બનાવ્યું વાઇબ્રન્ટ ગુજરાત સમિટ.

વાઇબ્રન્ટ ગુજરાતનું મોડેલ ઘણાં રાજ્યોએ અપનાવ્યું છે. અમે ગુજરાત રાજ્યનો વિકાસ નેશનલ વીઝન સાથે અપનાવ્યો હતો અને સફળ રહ્યા છીએ. એક નાના રાજ્ય સાથે વિશ્ર્વના મોટા દેશો ભાગીદારી કરે એ કંઇ નાની સૂની સિદ્ધિ નહોતી. ૩૦ દેશોની ભાગીદારીની શરૂઆત આજે ૧૩૫ દેશ સુધી પહોંચી છે એવું જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦મી સદીમાં ગુજરાતની છાપ એક વેપારી સ્ટેટ તરીકે હતી જે ૨૧મી સદીમાં ઉત્પાદન રાજ્ય તરીકે ઊભી કરવામાં આવી છે.

તેમણે રાજ્યમાં મેન્યુફેકચર હબ, નિકાસ, ડાયમંડ, ટેક્ષટાઇલ, સિરામિક, ઓટોમોબાઇલ, એગ્રીકલ્ચર વગેરે સેક્ટરમાં થયેલા વિકાસનાં ઉદાહરણો પણ આપ્યાં હતાં.

વડા પ્રધાન નરેન્દ્રએ સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન સાયન્સ સિટીના રોબોટ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું.

વડા પ્રધાનના નામે ઘર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તીકરણની વાત કરતાં જણાવ્યું હતું કે મારા નામે ઘર નથી, પણ મારી સરકારે દેશની લાખો દીકરીઓને ઘર-માલિક બનાવી દીધી છે.

છોટાઉદેપુરના બોડેલીમાં રૂપિયા પાંચ હજાર કરોડથી વધુના કામોના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધી વિકાસ થયો છે અને અમારી પ્રાથમિકતા ગરીબોને ઘર, પાણી, રોડ, વીજળી, શિક્ષણ આપવાની છે. સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઈફાઈ પહોંચાડવાનું કામ પૂર્ણ થયું હોવાનો નિર્દેશ કરી તેમણે જણાવ્યું હતું કે ગામોના લોકો માટે મોબાઈલ, ઈંટરનેટ હવે નવું નથી. ઈંટરનેટ સેવા હવે તમામને મળી રહી છે. સાવલીમાં અનેક શિક્ષણના કામો થયા છે. આદિવાસીઓ માટે વિશેષ યોજના લઈને આવ્યા હોવાનું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ગુજરાતમાં સારી શાળાઓ, રસ્તાઓ, મકાનો બની ગયાં હોવાનું વધુમાં વડા પ્રધાને જણાવ્યું હતું. દેશભરમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકા ઘર બન્યા હોવાનું, આદિવાસીઓને તેમની મરજી પ્રમાણે ઘર બનાવી આપ્યા હોવાનું અને આદિવાસીઓને જરૂરિયાત પ્રમાણે મકાનો મળે તેને પ્રાથમિકતા આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મંગળવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદી આદિવાસી બહુમતી ધરાવતા બોડેલી શહેરમાં શિક્ષણક્ષેત્રને લગતા રૂ. ૪,૫૦૦ કરોડના પ્રોજેક્ટ સહિત રૂ. ૫,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ પ્રસંગે બોલી રહ્યા હતા. અગાઉની સરકારોથી વિપરીત, ગરીબો માટેનું ઘર એ અમારા માટે માત્ર એક નંબર નથી પણ અમે ગરીબો માટે ઘર બનાવીને તેમને સન્માન આપવાનું કામ કરીએ છીએ એમ પણ જણાવ્યું હતું. વડા પ્રધાને વિશ્ર્વ બૅંકના પ્રમુખ અજય બંગાની ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત અને તેમણે ભારતના તમામ જિલ્લાઓમાં આવા કેન્દ્રો શરૂ કરવા કરેલી વિનંતી તેમ જ તે માટે વિશ્ર્વ બૅંક પ્રોજેક્ટનો ભાગ બનવા માટે તૈયાર હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમે જણાવ્યું હતુ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેમની સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. કોઈપણ નામનો ઉલ્લેખ કર્યા વિના, પીએમ મોદીએ વિપક્ષ પર પણ પ્રહાર કર્યાં હતા. ઘેર ઘેર પાઈપલાઇનથી પાણી પહોંચાડી દસ કરોડ પરિવારોને પાણીની ઘરમાં જ સુવિધા કરી આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આદિવાસી પટ્ટામાં ૨૫ હજાર નવા ક્લાસરૂમ, ૫ મેડિકલ કૉલેજો અને કૌશલ વિકાસ યોજનાનો લાખો યુવાનોને લાભ અપાયો છે તેમ જ વગર ગેરન્ટીએ યુવાનોને પોતાના કામ માટે લોન મળી રહે તેવી નવી નવી યોજનાઓ થકી આ વિસ્તારનો વિકાસ કરીશું એમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker