સિલ્કયારા ટનલ ખાતે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરાયું
રાહત બચાવ કાર્ય: સિલ્કયારા ટનલમાં ફસાયેલા ૪૧ કારીગરને બચાવવા રવિવારે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
ઉત્તરકાશી: બે સપ્તાહ અગાઉ ટનલમાં સંપડાયેલાં એકતાલીસ કારીગરોને બહાર કાઢવા માટે ડ્રિલિંગ શરૂ કરાયું હતું તેવું એક અધિકારીએ કહ્યું હતું. શનિવારે હોરીઝોન્ટલ ડ્રિલિંગ કરી રહેલા ઓગર મશીન બગડી જવાથી આ પગલું ભરવામાં આવ્યું હતું. એનએચઆઈડીસીએલના એમડી મહમુદ અહમદે પત્રકારોને કહ્યું કે ઊંચેથી નીચે ડ્રિલિંગ શરૂ કરાયું છે અને ૧૯.૫ મીટર જેટલું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. ટેકરીની ટોચ પરથી ટનલમાં પહોંચી કામદારો સુધી પહોંચવા લગભગ સો કલાક જેટલો સમય થશે તેવું તેમણે કહ્યું હતું. કુલ ૮૬ મીટર ડ્રિલિંગ કરવાની જરૂર છે તેવું અધિકારીઓએ અગાઉ કહ્યું હતું . ૧૨મી નવેમ્બરથી ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા વિવિધ એજન્સીઓ પ્રયત્ન કરી રહી છે. શનિવારે ટનલની અંદરના કાટમાળમાં ઓગર મશીનની બ્લેડ ફસાઈ જતાં હોરીઝોન્ટલ ડ્રિલિંગ અટકાવવું પડ્યુુંં હતું. પ્લાઝમા અને લેઝર કટર દ્વારા ઓગર મશીનના બ્લેડના ટુકડાઓ કાપવામાં આવી રહ્યા છે, તેવું ઉત્તરાખંડના અધિકારી નીરજ ખેરવાલે કહ્યું છે.