નેશનલ

વારાણાસી: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાની મંજુરી મામલે સુપ્રીમ કોર્ટમાં 1 એપ્રિલે થશે સુનાવણી

સુપ્રિમ કોર્ટ 1 એપ્રિલે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિની અરજી પર સુનાવણી કરશે, જેમાં હિંદુઓને મસ્જિદના દક્ષિણી ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા નીચલી કોર્ટના આદેશને યથાવત રાખવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ હાઈકોર્ટના 26 ફેબ્રુઆરીના નિર્ણયને પડકારતી અંજુમન ઈંતઝામિયા મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી કરશે.

અંજુમન ઈંતઝામિયા મસ્જિદ કમિટી વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરે છે. હાઈકોર્ટે સમિતિની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે જિલ્લા કોર્ટના 31 જાન્યુઆરીના આદેશને પડકાર્યો હતો. જિલ્લા અદાલતે તેના આદેશમાં હિન્દુઓને ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી.

26 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારનો 1993માં જ્ઞાનવાપીના દક્ષિણ ભોંયરામાં સ્થિત ‘વ્યાસ તહખાના’ની અંદર પૂજા રોકવાનો નિર્ણય ‘ગેરકાયદેસર’ હતો. તેણે કહ્યું હતું કે 1993માં જ્ઞાનવાપીના દક્ષિણ ભોંયરામાં સ્થિત ‘વ્યાસ તહેખાના’ની અંદર પૂજાપાઠને ‘કોઈપણ લેખિત આદેશ વિના રાજ્યની ગેરકાયદેસર કાર્યવાહી’ દ્વારા બંધ કરવામાં આવી હતી

મસ્જિદ પ્રબંધન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી બે અપીલને ફગાવી દેવામાં આવી હતી. તેની એક અપીલમાં, સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના 17 જાન્યુઆરીના આદેશને પડકાર્યો હતો જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ‘વ્યાસ તહેખાના’ના ‘રિસીવર’ તરીકે નિમણુક કરવામાં આવી હતી, જ્યારે બીજી અરજીમાં સમિતિએ 31 જાન્યુઆરીના આદેશને પડકાર્યો હતો. જે આદેશમાં ન્યાયાધીશે ત્યાં ‘પૂજા’ કરવાની પરવાનગી આપી હતી.

હાઈકોર્ટે આદેશ આપ્યો કે કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી મસ્જિદના ‘વ્યાસ તહેખાના’માં પૂજા ચાલુ રહેશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કોર્ટના આદેશ પર હાથ ધરાયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન હિન્દુ મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી.

જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે હિંદુ પૂજારી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં મૂર્તિઓની પૂજા કરી શકે છે. હવે પૂજા-અર્ચના અરજદાર શૈલેન્દ્ર કુમાર પાઠક દ્વારા કરવામાં આવી રહી છે, જે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિમવામાં આવેલા હિંદુ પૂજારી છે. પાઠક દાવો કરે છે કે તેમના નાના સોમનાથ વ્યાસ, જેઓ પણ પૂજારી હતા, ડિસેમ્બર 1993 સુધી ભોંયરામાં પૂજા કરતા હતા. તેમણે કહ્યું હતું કે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદ ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના કાર્યકાળ દરમિયાન પૂજા બંધ કરવામાં આવી હતી.

નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે અરજીકર્તાના દલીલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભોંયરામાં કોઈ મૂર્તિ નથી અને તેથી 1993 સુધી ત્યાં પૂજા કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. મુસ્લિમ પક્ષે અરજદારના દાવાને પણ રદિયો આપ્યો હતો કે ભોંયરું તેના નાનાના નિયંત્રણ હેઠળ હતું. અરજદારે દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ ભોંયરા પર તેમના પરિવારનું નિયંત્રણ હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત