કાશ્મીરમાં ટૂંક સમયમાં જ શરૂ થશે ‘વંદે ભારત’ ટ્રેન
નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી આ નાણાકીય વર્ષમાં કાશ્મીરમાં વંદે ભારત સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યની રેલવે લાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયા બાદ આ સેમી-હાઇ સ્પીડ ટ્રેન ત્રિપુરાના લોકોને પણ સેવા આપશે. સરકાર આવતા વર્ષે માર્ચ સુધીમાં 75 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના ધરાવે છે.
વૈષ્ણવે મીડિયાને માહિતી આપતા કહ્યું, “જમ્મુથી શ્રીનગર રેલ્વે લાઇન ટૂંક સમયમાં તૈયાર થશે અને વંદે ભારત ટ્રેન પણ તેના પર દોડશે.” તેમણે કહ્યું કે જમ્મુ-શ્રીનગર રેલ્વે લાઇન પર કામગીરી આ નાણાકીય વર્ષમાં શરૂ થવાની અપેક્ષા છે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે તાપમાન અને ઊંચાઈમાં સરળતાથી દોડી શકે અને વાતાવરણની વિષમતા સહી શકે. એક સર્વે મુજબ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો આરામ અને ઝડપના મામલે યુવાનો અને વરિષ્ઠ નાગરિકોમાં લોકપ્રિય છે.
વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર અને જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં વ્યક્તિગત રસ લીધો છે. આ વિસ્તારોમાં રેલ્વે સેવાઓનું મોટા પાયે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ત્રિપુરામાં ટૂંક સમયમાં જ વિદ્યુતીકરણ રેલ્વે લાઈનો હશે, ત્યારબાદ અમે ત્રિપુરાને પણ વંદે ભારત ટ્રેન સેવાઓ પ્રદાન કરી શકીશું.”