રૂ.104 કરોડની ટ્રેનની છતમાંથી વરસાદી પાણીનું ગળતર, વીડિયો વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે વારંવાર તેમનો બહુચર્ચિત પ્રોજેક્ટ વંદે ભારત ટ્રેનને હાઇલાઇટ કર્યો છે. મોદી સરકારે દેશના અનેક ભાગોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરી છે. દેશમાં બુલેટ ટ્રેનનું કામ પણ ચાલી રહ્યું છે. એમ કહેવાય છે કે વંદે ભારત ટ્રેનમાં પ્લેન જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ તેની પ્રશંસા પણ કરી રહ્યા છે, પણ બીજી બાજુ રેલવે અને સરકારે આ ટ્રેનો તરફ ધ્યાન આપીને સામાન્ય ટ્રેનોની ઉપેક્ષા કરી હોવાની ફરિયાદો પણ નોંધાઈ છે.
છેલ્લા દસ મહિનામાં દેશમાં બે મોટા ટ્રેન અકસ્માતો નોંધાયા છે અને લોકોની સલામતીનો સવાલ ઉઠ્યો છે. લોકો હવે અન્ય ટ્રેનોમાં સેવા અને સલામતીના અભાવની સામે વંદે ભારતને આપવામાં આવતા મહત્વ તરફ ધ્યાન દોર્યું હતું. હવે પાછી વંદે ભારત ટ્રેન ચર્ચામાં આવી છે. એક મુસાફરે વંદે ભારત ટ્રેનનો વીડિયો પોસ્ટકર્યો છે, જેમાં ટ્રેનમાં વરસાદનું પાણી ટપકતું જોવા મળે છે. દેશની પ્રીમિયમ ગણાતી વંદે ભારત ટ્રેનમાં વરસાદનું પાણી લીક થતું જોવા મળે છે.જો કે આ ટ્રેનમાં સીટ પર કોઈ બેઠું નથી, પરંતુ ટ્રેનની છત પરથી ધોધની જેમ ટપકી રહેલું પાણી ચોંકાવનારું છે. વંદે ભારત ટ્રેનના ઊંચા ભાડા વસુલતી રેલવે આવી કંગાળ સેવા આપે છે, એમ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે.
આ વીડિયો વાયરલ થયા બાદ રેલવે પ્રશાસને ડાયરેક્ટ મેસેજ દ્વારા આ વ્યક્તિ પાસેથી મુસાફરી સંબંધિત માહિતી અને તેનો ફોન નંબર માંગ્યો છે. આ ઉપરાંત સંબંધિત અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે.