Vande Bharat Express : રેલવેના મુસાફરો માટે ખુશખબર, આ 9 રૂટો પર ચાલશે સ્લીપર વંદે ભારત

નવી દિલ્હી : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) જેવી ટ્રેન સુવિધા બાદ રેલ્વે વિભાગ દ્વારા હવે ટૂંકા અંતરની વંદે ભારત મેટ્રો ટ્રેન (Vande Bharat Metro) લોકલ ટ્રેનોની જેમ જ ચલાવવામાં આવશે. વંદે મેટ્રોના નામથી ચાલતી આ ટ્રેનોની ટ્રાયલ જુલાઈથી શરૂ થશે. આ સિવાય વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ મે મહિનામાં શરૂ થશે.
રેલવે વિભાગના કહેવા પ્રમાણે, વંદે ભારત મેટ્રો ટ્રેન 100 થી 250 કિલોમીટરનું અંતર કાપશે. આ ઉપરાંત, વંદે ભારત સ્લીપર ટ્રેનો માટે મુસાફરી રૂટ 1000 કિલોમીટરના અંતરમાં આવતા સ્ટેશનો પર ડિઝાઇન કરવાના છે. આ ટ્રેનોનું ટ્રાયલ જબલપુર, રીવા થઈને આકેએમપી દ્વારા કરવામાં આવશે. આ સિવાય આ ટ્રેનોને ભોપાલથી ઈન્દોર, ઉજ્જૈન સુધી દોડાવવાની પણ શક્યતા છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોને સામાન્ય ટ્રેનની જેમ રાત્રિની મુસાફરી દરમિયાન સૂવા માટે લાંબી સીટ આપવામાં આવશે. તેનું ભાડું સામાન્ય સ્લીપર ટ્રેનના કોચ જેટલું હશે.વંદે ભારત મેટ્રો ટ્રેન મુંબઈની લોકલ ટ્રેનની જેમ નાના સ્ટેશનો અને ટૂંકા અંતરના સ્ટેશનો પર ઉભી રહેશે. તેને ચલાવવાનો હેતુ સ્થાનિક ગામડાઓ અને શહેરોને કનેક્ટિવિટી આપવાનો છે. આ ટ્રેનમાં થોડું વધારે ભાડું ચૂકવીને મુસાફરો એરકન્ડિશન્ડ કોચમાં મુસાફરી કરી શકશે.
પશ્ચિમ મધ્ય રેલવેનાં જનરલ મેનેજર શોભના બંદોપાધ્યાયએ જણાવ્યું હતું કે, “રેલ્વેએ પ્રથમ તબક્કામાં ટ્રાયલ માટે લખનૌ કાનપુર, આગ્રા મથુરા, દિલ્હી રેવાડી, ભુવનેશ્વર બલેશ્વર અને તિરુપતિ ચેન્નાઈ રેલ્વે રૂટ પસંદ કર્યા છે. વંદે ભારત ટ્રેનનું નવું વર્ઝન ટૂંક સમયમાં મુસાફરો માટે ઉપલબ્ધ થશે. રેલ્વે બોર્ડ તરફથી શેડ્યૂલ આવતા જ તેને ભોપાલ, કોટા અને જબલપુર ડિવિઝનમાં લાગુ કરવામાં આવશે.”