માતા વૈષ્ણો દેવીના ભક્તોને નવરાત્રિ પહેલા મળી મોટી ભેટ
યાત્રાને સુખદ બનાવવા માટે લેવાયો આ નિર્ણય
જમ્મુઃ નવરાત્રિ પહેલા રેકોર્ડ બ્રેક ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કર્યા. હવે માતાની નવરાત્રી પહેલા ભક્તોને મોટી ભેટ મળી છે. નવરાત્રિ પહેલા જ રેલવેએ નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. રેલવે મુસાફરોની સુવિધા માટે ઉત્તર રેલવેએ નવી દિલ્હી – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કેટેગરીના કોચવાળી સ્પેશિયલ ટ્રેન હશે.
ટ્રેન 04071 નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વિશેષ ટ્રેન તારીખ 29.09.2023 દોડશે. તે નવી દિલ્હીથી 11.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11:25 વાગ્યે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે. વળતી દિશામાં, 04072 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – નવી દિલ્હી વિશેષ ટ્રેન 01.10.2023 ના રોજ સાંજે 06.30 કલાકે શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 6.25 કલાકે નવી દિલ્હી પહોંચશે.
એસી ક્લાસ કોચવાળી આ વિશેષ ટ્રેન સોનીપત, પાણીપત, કરનાલ, કુરુક્ષેત્ર જંક્શન, અંબાલા કેન્ટ, લુધિયાણા, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, જમ્મુ તાવી અને ઉધમપુર (શહીદ કેપ્ટન તુષાર મહાજન) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.
આ વર્ષે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો માતા ભગવતીના દરબારમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. માહિતી અનુસાર, વર્ષના પ્રથમ 9 મહિનામાં 73 લાખ ભક્તોએ દેવી ભગવતીના દરબારમાં નમન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા, જે ગયા વર્ષના પ્રથમ 9 મહિના કરતાં 1.15 લાખ ઓછા છે. શ્રાઈન બોર્ડના સત્તાવાર સૂત્રોનું માનીએ તો ગત વર્ષની સરખામણીમાં પહેલા પાંચ મહિનામાં મા ભગવતીના દરબારમાં વધુ ભક્તો પહોંચ્યા હતા. જે બાદ હિમાચલ, હરિયાણા અને દિલ્હીમાં પૂરની અસર વૈષ્ણોદેવીની યાત્રા પર જોવા મળી હતી.
રવિવારે 43,000 શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીની યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આગામી નવરાત્રીમાં માતા વૈષ્ણો દેવીની યાત્રાએ આવતા ભક્તોની સંખ્યામાં ઉછાળો જોવા મળી શકે છે.