મોદી સાથેની મુલાકાત વખતે વૈભવના મમ્મી-પપ્પા પણ હતા…
આઈપીએલના ટીનેજ-સ્ટારે પીએમને પગે લાગીને આશીર્વાદ લીધા

પટનાઃ 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI) આઇપીએલ (IPL-2025)નો અને ભારતીય ક્રિકેટનો લેટેસ્ટ સેન્સેશન તરીકે ઓળખાય છે અને તે શુક્રવારે પટના ઍરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)ને મળ્યો હતો અને તેમને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. વિમાનીમથક ખાતે પીએમ મોદી સાથેની આ મુલાકાત દરમ્યાન વૈભવના મમ્મી-પપ્પા પણ હાજર હતા અને મોદીએ ઘણી વાર સુધી તેમની સાથે વાતચીત કરી હતી અને વૈભવને અભિનંદન આપવા ઉપરાંત તેનો ઉત્સાહ વધારતી શુભેચ્છા પણ આપી હતી.
વૈભવ સૂર્યવંશી ઉત્તર બિહારમાં સમસ્તીપુર જિલ્લાનો છે. તે આઠમા ધોરણમાં ભણે છે. રાજસ્થાન રૉયલ્સે તેને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે ફક્ત 35 બૉલમાં સદી ફટકારીને આઇપીએલના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ અને તથા ટી-20 વિશ્વના યંગેસ્ટ સેન્ચુરિયન તરીકે સુવર્ણ અક્ષરે નામ લખાવ્યું છે. તેણે સાત લીગ મૅચમાં 206.55ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 252 રન કર્યા હતા. વૈભવની બૅટિંગની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે અને ઘણા દિગ્ગજોએ તેની ટૅલન્ટને વખાણી છે.
વડા પ્રધાન મોદી બિહારની બે દિવસના પ્રવાસે આવ્યા છે અને તેમણે વૈભવ સાથેની મુલાકાત બાદ એક્સ’ પર પોતાના હૅન્ડલ પર વૈભવ તથા તેના પૅરન્ટ્સ સાથેના ફોટા શૅર કરવાની સાથે આ મુજબ લખ્યું હતુંઃ પટના ઍરપોર્ટ પર યુવાન ખેલાડી અને ક્રિકેટ જગતના નવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી તથા તેના ફૅમિલી સાથે મુલાકાત થઈ. વૈભવના ક્રિકેટ-કૌશલ્યની રાષ્ટ્રભરમાં વાહ-વાહ થઈ રહી છે. ભવિષ્યના સાહસો માટે તેને મારા તરફથી શ્રેષ્ઠ શુભેચ્છા.
વડા પ્રધાન મોદીએ તાજેતરમાં મન કી બાત’માં વૈભવ સૂર્યવંશીના દર્શનીય પર્ફોર્મન્સ બદલ તેની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મેં બિહારના આ પનોતા પુત્રનો આઇપીએલ-પર્ફોર્મન્સ ટીવી પર માણ્યો. તેણે 14 વર્ષની નાની ઉંમરે નવું સીમાચિહ્ન અંકિત કર્યું છે. તેનો આ શાનદાર પર્ફોર્મન્સ તેની તનતોડ મહેનતની સાબિતી છે. વૈભવને મારી શુભેચ્છા છે અને તેના માટે કહીશ કે તું જેમ-જેમ રમતો જઈશ એમ-એમ વધુને વધુ ચમકતો જઈશ. એનડીએ સરકારે હંમેશાં વધુને વધુ સ્પર્ધાઓને મહત્ત્વ આપ્યું છે અને સરકારની નીતિઓમાં એને હંમેશાં અગ્રક્રમ અપાયો છે.’
આપણ વાંચો : સૂર્યવંશીને સેન્ચુરી પછી 500 મિસ્ડ કૉલ આવ્યા, મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દેવો પડ્યો હતો!