ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બચાવ કામગીરી ચાલુ, 650 લોકોને બચાવાયા | મુંબઈ સમાચાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બચાવ કામગીરી ચાલુ, 650 લોકોને બચાવાયા

ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાં વાદળ ફાટવાની દુર્ઘટના બાદ સતત રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જેમાં બચાવ દળ દ્વારા અત્યાર સુધી 650 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમજ હજુ 300 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમને સુરક્ષિત બહાર નીકાળવા માટે યુદ્વ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે.

હર્ષિલમાં મોબાઈલ સેવાઓ પુન: સ્થાપિત

જેમાં ધરાલી અને હર્ષિલમાં આર્મી, આઈટીબીપી, એનડીઆરએફ, એસઆરડીએફ અને વહીવટીતંત્રની સમગ્ર ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ છે. જેમાં ડોગ સ્કવોડ, ડ્રોન અને જમીન અંદર નિહાળી શકાય તેવા રડારનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ હર્ષિલ વિસ્તારમાં મોબાઈલ સેવાઓ પુન: સ્થાપિત કરવામાં આવી છે.

પુષ્કરસિંહ ધામી ત્રણ દિવસથી ઉત્તર કાશીમાં

ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી ત્રણ દિવસથી ઉત્તરકાશીમાં સમગ્ર બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બુધવારે 400 લોકોને અને શુક્રવારે 250 લોકોને નીકાળવામાં આવ્યા છે. તેમજ ફસાયેલા લોકો ઝડપથી બહાર નીકાળવામાં માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હર્ષિલ અને ઉત્તરકાશી વચ્ચે અનેક જગ્યાઓએ રોડ તૂટેલા

આ ઉપરાંત ધરાલી હર્ષિલ અને ઉત્તરકાશી વચ્ચે અનેક જગ્યાઓએ રોડ તૂટેલા છે. જેના લીધે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. જોકે, મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પુન: સ્થાપિત થતા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનશે. તેમજ અસર ગ્રસ્ત વિસ્તારોમાં વીજ પૂરવઠો સ્થાપિત કરવા માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

લાપતા લોકોની સંખ્યા હજુ વધારે હોય શકે છે

એસડીઆરએફે જણાવ્યું કે, હજુ સુધી નવ સૈનિક અને સાત અન્ય લોકો હજુ લાપતા છે. તેમજ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાપતા લોકોની સંખ્યા હજુ વધારે હોય શકે છે. ધરાલીમાં અનેક હોટલોનું બાંધકામ ચાલી રહ્યું હતું. જ્યા બિહાર અને નેપાળથી મજુરો કામ કરી રહ્યા હતા. તેમજ 24 થી વધુ લોકો હોટલમાં રોકાયા હતા. આ લોકો અંગે હજુ કોઈ માહિતી મળી નથી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button