ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય તો શું ફેરફાર થશે?

નવી દિલ્હી: ઉત્તરાખંડની સરકારે રાજ્યમાં UCC લાગુ કરવા અંગે એક મોટી જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું છે કે જાન્યુઆરીમાં UCCનો ડ્રાફ્ટ કમિટીને સોંપી દેવામાં આવશે અને એ પછી તેને રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે. એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ આ અંગે માહિતી આપી હતી.
સીએમ ધામીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક આચાર સંહિતા લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે.
તેમણે વર્ષ 2022માં 27 મેના રોજ સમાન નાગરિક સંહિતાના નિયમોમાં સંશોધન અને અને નાગરિકો સાથે જોડાયેલા કાયદાની તપાસ માટે એક્સપર્ટ કમિટીનું ગઠન કર્યું હતું.
ઉત્તરાખંડમાં જો UCC લાગુ થાય તો નીચે મુજબના ફેરફારો થઇ શકે..
પહેલા તો મુસ્લિમ ધર્મમાં જે તલાક લેવાની-આપવાની પ્રથા છે, તે પરંપરાગત પ્રથાને બદલે તમામ પ્રક્રિયા કાયદા હેઠળ થશે. આ માટે નવો કાયદો બનાવવામાં આવશે.
લગ્ન કર્યા વગર એકસાથે રહેવા એટલે કે લિવ-ઇનમાં રહેવા ઇચ્છતા યુગલે સરકારને આ બાબતની જાણકારી આપવી પડશે. આ માટેની એક પ્રક્રિયા હશે. લિવ-ઇનમાં રહેવા માગતા યુગલોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેમના માતાપિતાને પણ આ બાબતની જાણ કરવી પડશે. જો તેઓ જાણ ન કરે તો સજાની જોગવાઇ હશે.
UCCમાં બહુપત્નીત્વ, હલાલા અને ઇદ્ધત જેવા રીતરિવાજો પર પણ રોક લગાવવામાં આવશે. છોકરીના વિવાહની ઉંમર વધારીને 21 વર્ષ કરી દેવામાં આવે તેવી પણ સંભાવના છે.
તમામ ધર્મના યુગલો માટે લગ્નનું રજીસ્ટ્રેશન-દસ્તાવેજ નોંધણી ફરજિયાત હશે. જો લગ્નનું રજીસ્ટ્રેશન ન હોય તો દંપતિને કોઇ પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ નહી મળી શકે. ગ્રામીણ સ્તરે પણ લગ્નના રજીસ્ટ્રેશનની સુવિધા ઉભી કરવામાં આવશે.
UCCના ડ્રાફ્ટમાં પર્સનલ લો હેઠળ મુસ્લિમ સમુદાયમાં એકથી વધુ પત્નીઓનો જે રિવાજ છે તેને સાવ જ નાબૂદ કરી દેવાનો પ્રસ્તાવ પેનલમાં મુકાઇ શકે છે. મુસ્લિમ મહિલાઓ માટે સંપત્તિમાં સમાન અધિકાર સહિતની પણ અનેક જોગવાઇઓ સામેલ થઇ શકે છે.
તમામ ધર્મના યુગલો માટે બાળક દત્તક લેવાની જે પ્રક્રિયા છે તેની સાથે જોડાયેલા નિયમ તથા બાળકને દત્તક લીધા બાદ દંપતિને પોતાનું સંતાન થાય ત્યારે દત્તક લીધેલા બાળકના અધિકારો અંગે પણ UCCમાં ચોક્કસ નિયમો રાખવાની ભલામણ થશે.