દેહરાદુન: સમાન નાગરિક સંહિતા (યુસીસી)નો સ્વીકાર કરવા માટે 5 ફેબ્રુઆરીના રોજ વિશેષ સત્ર શરૂ કરવામાં આવ્યું હતું, આજે સત્રના બીજા દિવસે આ મંગળવારની યુસીસી બિલ રજૂ કરવામાં આવશે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી આજે રાજ્યની વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કરશે. ઉત્તરાખંડ આઝાદી બાદ યુસીસી લાગુ કરવા દેશનું પ્રથમ રાજ્ય બનશે. જો કે ગોવામાં પોર્ટુગીઝ સરકારના દિવસોથી જ યુસીસી લાગુ છે. યુસીસીના અંતર્ગત પ્રદેશમાં તમામ નાગરિકો માટે લગ્ન, ડિવોર્સ, ભરણ પોષણ, જમીન અને ઉત્તરાધિકારીના સમાન કાયદા લાગુ કરવામાં આવશે પછી તે વ્યક્તિ કોઈપણ ધર્મનો હોઈ તો પણ આ જ નિયમો રહેશે.
બિલ રજૂ કરતા પહેલા સીએમ ધામીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે દેવભૂમિ ઉત્તરાખંડના નાગરિકોને સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્ય સાથે આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવામાં આવશે. રાજ્યના તમામ લોકો માટે આ ગર્વની ક્ષણ છે કે અમે UCC લાગુ કરવાની દિશામાં આગળ વધનાર દેશના પ્રથમ રાજ્ય તરીકે ઓળખાઈશું. જય હિંદ, જય ઉત્તરાખંડ….
સત્રની શરૂઆતથી મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે યુસીસી તમામ વર્ગો માટે સારું રહેશે અને તેના માટે કોઈ પણ સમુદાયે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો કે આજે દેહરાદૂનમાં ઉત્તરાખંડ વિધાનસભાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે મુફ્તી રઈસે કહ્યું હચતું કે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલો આ કાયદો બંધારણની પણ વિરુદ્ધ છે. કલમ 25 હેઠળ દરેક ધર્મનું પાલન કરતી વ્યક્તિને તેના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે.
તેમજ શહેર કાઝી મોહમ્મદ અહેમદ કાસ્મીએ કહ્યું હતું કે યુસીસી માત્ર એક ચોક્કસ ધર્મની વિરુદ્ધ છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલા વાંધાઓ અને મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલા સૂચનોને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી.
જો કે રાજ્યમાં કોઈ અવ્યવસ્થા કે અપ્રિય પરિસ્થિતિ કે ઘટના ન બને તે માટે આજથી જ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ માટે પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
Taboola Feed