નેશનલ

ઉત્તરાખંડ બહારના લોકો માટે રાજ્યમાં જમીન ખરીદવાનું વધુ મુશ્કેલ બનશેઃઅહેવાલ

દેહરાદૂન: ઉત્તરાખંડ રાજ્ય જમીન કાયદામાં હિમાચલ પ્રદેશ મોડલ અપનાવશે અને ગ્રામીણ પહાડી વિસ્તારોમાં રાજ્યની બહારના લોકો દ્વારા જમીનની ખરીદી પર પ્રતિબંધ મૂકશે એવા અહેવાલ જાણવા મળ્યા છે.

બહુવિધ અહેવાલો અનુસાર, ઉત્તરાખંડ સરકાર રાજ્યના પહાડી વિસ્તારોના ગ્રામીણ વિસ્તારોમાં જમીન અને મકાનો ખરીદવા માટે રાજ્યની બહારના લોકો માટે પડકારરૂપ બનાવતા, કડક જમીન કાયદાનો અમલ કરે તેવી શક્યતા છે. આ કાયદો, હિમાચલ પ્રદેશ ટેનન્સી એન્ડ લેન્ડ રિફોર્મ્સ એક્ટ 1972થી પ્રભાવિત છે, તેનો હેતુ ગ્રામીણ પહાડી વિસ્તારોમાં જમીન સંપાદનને મર્યાદિત કરીને રાજ્યના હિતોનું રક્ષણ કરવાનો છે.


મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી દ્વારા રચાયેલી વિશેષ સમિતિએ એક વર્ષ પહેલાં એક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં બિન-મ્યુનિસિપલ પહાડી વિસ્તારોમાં જમીનની ખરીદી પર કડક નિયંત્રણો સૂચવવામાં આવ્યા હતા. આ અહેવાલમાં ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્તારોમાં જમીનની ખરીદીને મર્યાદિત કરવાની પણ ભલામણ કરવામાં આવી છે


સરકારના આ નિર્ણય પાછળના કારણોની તપાસ કરીએ તો જાણવા મળે છે કે 2003માં, તત્કાલિન મુખ્યમંત્રી એનડી તિવારીએ 500 ચો.મી.ની મર્યાદા હોવા છતાં, પહાડી વિસ્તારોમાં બહારના લોકોને જમીન ખરીદવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ પહાડી જિલ્લાઓમાં મોટા પ્લોટના વેચાણ અને ખરીદીને રોકવા માટે બીસી ખંડુરીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારે આ મર્યાદા ઘટાડીને 250 ચો.મી. ની કરી હતી. જો કે, 2017 માં, તત્કાલિન મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર રાવતે પર્વતીય વિસ્તારોમાં રોકાણ આકર્ષવા માટે આ નિયંત્રણો હટાવ્યા હતા.


જોકે, હવે સ્થાનિક રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે રાજ્યમાં જમીનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. રાજ્ય સરકારે 2022 માં ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુભાષ કુમારની આગેવાની હેઠળની પેનલ દ્વારા સબમિટ કરેલા ડ્રાફ્ટ રિપોર્ટનો અભ્યાસ કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ 23 ભલામણ કરી હતી. આ ભલામણોના આધારે, રાજ્ય સરકાર ફરીથી જમીનની ખરીદી અને વેચાણને 12.5 એકર સુધી મર્યાદિત કરી શકે છે. આ સિવાય મ્યુનિસિપલ સીમાની અંદર અને બહારના વિસ્તારોમાં જમીન ખરીદવા માટેની જોગવાઈઓ અન્ય રાજ્યોના લોકો માટે વધુ કડક કરી શકાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, “ઉત્તરાખંડના લોકોના હિતમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button