ઉત્તરાખંડ દેવભૂમિની યાત્રા બનશે સરળ…, રાજ્યમાં બનશે 18 નવા હેલિપેડ
દેવભૂમિત ઉત્તરાખંડમાં પ્રવાસન અને તીર્થયાત્રાને પ્રોત્સાહન આપવા માટે 18 નવા હેલિપેડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીએ નવી હેલિપેડ નીતિ હેઠળ અરજીઓ મગાવી છે. એ માટે શરત માત્ર એ છે કે હેલિપેડની જમીન ઓછામાં ઓછી 1000 ચોરસ મીટર હોવી જોઈએ, જેની લંબાઈ અને પહોળાઈ ઓછામાં ઓછી 30-30 મીટર હોવી જોઈએ. હેલીપોર્ટ માટે 10 હજાર ચોરસ મીટર જમીન હોવી જોઈએ, જેની લંબાઈ અને પહોળાઈ ઓછામાં ઓછી 50-50 મીટર હોવી જોઈએ. અરજી કરનાર વ્યક્તિએ તે જમીનની માલિકીનો પુરાવો પણ આપવાનો રહેશે. આ 18 સ્થળોને હવાઈ સેવાઓ સાથે જોડ્યા પછી, પ્રસિદ્ધ મંદિરો સુધી પહોંચવાનો માર્ગ સરળ બનશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જે જગ્યાએ હેલિપેડ બનાવવામાં આવશે તેમાં રૂદ્રપ્રયાગ, નૈનિતાલ, દહેરાદૂન, બાગેશ્વર, ચંપાવત, ઉધમસિંહ નગર, ઉત્તર કાશી, પૌરી ગઢવાલ અને ચમોલીનો સમાવેશ થાય છે. જમીન માલિકોને હેલીપેડ અને હેલીપોર્ટ માટે જમીન આપવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પ્રથમ જમીન માલિક 15 વર્ષ માટે UCADAને જમીન ભાડે આપી શકે છે, જેના પર સરકાર નિયમો હેઠળ હેલિપેડ વિકસાવશે. આ માટે જમીન માલિકને પ્રતિ ચોરસ મીટર પ્રતિ વર્ષ 100 રૂપિયા ભાડું આપવામાં આવશે.
આ સિવાય ઓપરેશન અને મેનેજમેન્ટમાંથી મળેલી આવકના 50 ટકા પણ ચૂકવવામાં આવશે. બીજો વિકલ્પ એ છે કે જમીન માલિક પોતે હેલીપેડ અને હેલીપોર્ટ વિકસાવી શકે. આ માટે DGCA પાસેથી લાયસન્સ લીધા બાદ હેલિપેડનો ઉપયોગ કરનારાઓ પાસેથી ફી વસૂલવામાં આવશે. સરકાર કુલ મૂડી ખર્ચ પર 50 ટકા સબસિડી આપશે.
હેલિપેડ બનાવવા માટે 10 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે હેલિપોર્ટના નિર્માણમાં 2 થી 3 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.