ઉત્તરાખંડમાં ભારે વરસાદથી રોડ બ્લોક, બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ, ચાર દિવસ ભારે વરસાદની આગાહી

દહેરાદૂન : દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં પણ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો થયેલી બસનો કાટમાળ હજુ મળી શક્યો નથી. જ્યારે ડાઇવર્સ કહે છે કે નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. ડાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈ દેખાતું નથી. ત્યારે અકસ્માતમાં ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવાનું મુશ્કેલ છે. આ દરમિયાન ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે. નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. ત્યારે ચારધામ યાત્રાળુઓને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી
જ્યારે હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર વિક્રમ સિંહે માહિતી આપી હતી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેરકરવામાં આવ્યું છે.
ચારધામ યાત્રાળુઓને સાવધાની રાખવા સલાહ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂસ્ખલનનો પણ ભય છે. ત્યારે ચારધામ યાત્રાળુઓને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતા 21 જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશ કરનાર ચોમાસું હવે રાજ્યભરમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારો સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે 10 થી 15 ટકા વધુ વરસાદ પડી શકે છે.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત બુધવારે ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના કાંગડામાં અચાનક પૂર આવ્યું હતું. ઘણા લોકો પૂરમાં ફસાઈ ગયા હતા. હાલમાં, આ લોકો માટે શોધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કુલ્લુ જિલ્લાના રેહાલા બિહાલમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા ત્રણ લોકોની પણ શોધખોળ ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો…ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી