ઉત્તરાખંડ હિમપ્રપાતઃ વધુ 14 શ્રમિકોને ઉગારી લેવાયા, હજુ 8 ફસાયેલા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં થયેલા હિમપ્રપાતને કારણે માણા ગામના 55 શ્રમિકો બરફ નીચે દટાયેલા હતા, જેમાંથી 33 શુક્રવારે અને 14 શનિવારે સવારે ઉગારી લેવાયા હતા. હજુ 8 ફસાયેલા કામદારોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બચાવકાર્યમાં હવામાન મોટી બાધા નાખી રહ્યું છે.
આ પણ વાંચો…ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો પર તવાઈ, 100થી વધુ નોંધાઈ FIR
અહેવાલ મુજબ, હિમપ્રપાતને કારણે માણા ગામમાં 55 કામદારો બરફ નીચે દટાયા હતા. બચાવી લેવાયેલા કામદારોમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારોમાં હવામાન હજુ પણ પડકારજનક છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને સમગ્ર વહીવટ સંપૂર્ણપણે સતર્ક છે.