ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, એકનું મોત
બહરાઈચ: ઉત્તર પ્રદેશના બહરાઈચ જીલ્લાના મહસી તાલુકાના મહારાજગંજ શહેરમાં દુર્ગા મૂર્તિની વિસર્જન યાત્રા દરમિયાન હિંસા ફાટી (Violence in Bahraich) નીકળી હતી. રવિવારે સાંજે મૂર્તિ વિસર્જન દરમિયાન ડીજે પર ગીત વગાડવાને બાબતે બે સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો. ગીતના વિરોધમાં, અન્ય સમુદાયના યુવાનોએ ધાબા પરથી નારેબાજી કરી અને પથ્થરમારો કર્યો.
કથિત રીતે પથ્થરમારાને કારણે મા દુર્ગાની મૂર્તિ ખંડિત થઇ ગઈ હતી. જેના કારણે અન્ય સમુદાયોએ હોબાળો મચાવ્યો. આરોપ છે કે પ્રદર્શન દરમિયાન અન્ય સમુદાયના લોકોએ એક યુવકને પકડી ઘરની અંદર લઇ ગયા અને એને ગોળી મારી દીધી હતી, તેને બચાવવા ગયેલા યુવકને પણ ગંભીર ઈજા થઈ હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે છ પોલીસ સ્ટેશનની પોલીસ અને પીએસી સ્થળ પર તૈનાત છે. એસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મહારાજગંજમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ ઘટના અંગે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે બહરાઈચના મહસીમાં વાતાવરણ બગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં. મુખ્ય પ્રધાન યોગીએ અધિકારીઓને બદમાશોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે દરેકને સુરક્ષાની ખાતરી આપવા માટે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહે. જેમની બેદરકારીથી આ ઘટના બની છે તેમની ઓળખ કરો.
આ ઘટના બાદ લગભગ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. મહારાજગંજની ઘટનાની આગ થોડી જ વારમાં સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગઈ છે. ગુસ્સે ભરાયેલા વિસર્જન સમિતિના લોકોએ ચહલારી ઘાટ પુલ પાસે બહરાઈચ-સીતાપુર હાઈવે બ્લોક કરીને વિરોધ શરૂ કર્યો હતો. દુર્ગા પૂજા મહાસમિતિ દ્વારા શહેરના ક્લોક ટાવર પાસે વિસર્જન પણ અટકાવી દીધું અને સેંકડો મૂર્તિઓ એકઠી થઇ ગઈ. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે.