ટીફીનમાં નોન-વેજ લાવતા યુપીની શાળાએ વિદ્યાર્થીને કાઢી મુક્યો, તપાસના આદેશ

અમરોહા: શિક્ષક દિવસના દિવસે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઉત્તર પ્રદેશના અમરોહાના એક વિડીયો(UP Umroha video)ને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. અમરોહાના એક ખાનગી શાળાના પ્રિન્સિપાલે નોનવેજ ફૂડ લાવવા બદલ પાંચ વર્ષના વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂક્યો હતો. ત્યાર બાદ શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીની માતા વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. આ દલીલોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અધિકારીઓને આ ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં હિલ્ટન કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલને કહેતા સાંભળી શકાય છે કે વિદ્યાર્થી સતત નોનવેજ ફૂડ લાવે છે. પ્રિન્સિપાલ કથિત વિડિયોમાં વિદ્યાર્થીની માતાને કહે છે કે “તમારું બાળક કહે છે કે તે દરેકને નોનવેજ ફૂડ ખવડાવીને ઇસ્લામમાં કન્વર્ટ કરવા માંગે છે.”
પ્રિન્સિપાલે વધુમાં આરોપ લગાવ્યો કે વિદ્યાર્થી એવું કહે છે કે તે હિન્દુ મંદિરોને નષ્ટ કરવા માંગે છે. આ દમિયાન વિદ્યાર્થી પ્રિન્સિપાલની ઓફિસમાં તેની માતાની સાથે ઉભો હતો.
વિધાર્થીની માતા કહે છે કે અમારું બાળક છેલ્લા ત્રણ મહિનાથી ફરિયાદ કરી રહ્યું છે કે તેના વર્ગના વિદ્યાર્થીઓ ફક્ત હિંદુ-મુસ્લિમ કરી રહ્યા છે. તમે તેને આ શીખવી રહ્યા છો. અમારા ધર્મમાં આવું નથી શીખવવામાં આવતું. મે જે કોલોની રહીએ છીએ ત્યાં દરેક ધર્મના લોકો રહે છે.
પ્રિન્સિપાલ કહે છે કે, “હું તેને હવે ભણાવવામાં માંગતો નથી. અમે તેને હાંકી કાઢ્યો છે.”
દલીલો દરમિયાન પ્રિન્સિપાલ સ્વીકારે છે કે તેણે વિદ્યાર્થીને એક ઓરડામાં બંદક બનાવી રાખ્યો હતો. પ્રિન્સિપાલ પોલીસને બોલાવવાની ધમકી આપે છે અને કહે છે કે કોઈ પુરુષને બોલાવો હું મહિલાઓ સાથે વાત નથી કરતો.
અમરોહીની મુસ્લિમ કમિટીએ જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને પ્રિન્સિપાલની ધરપકડ કરવાની અને શાળાનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.
અમરોહાના એજ્યુકેશન ઓફિસરે આ મામલાની તપાસ કરવા માટે ત્રણ સરકારી શાળાઓના આચાર્યોની એક ટીમ બનાવી અને તેમને ત્રણ દિવસમાં તેમનો રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે.