આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ ‘પ્યાસીઓ’ માટે માઠા સમાચાર, જાણો તંત્રએ શું જાહેરનામું બહાર પાડ્યું?

લખનૌ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે આદર્શ આચાર સંહિતા (code of conduct) લાગુ થયા બાદ પ્યાસીઓ માટે થોડા માઠા સમાચાર બહાર આવ્યા છે. જિલ્લા તંત્રએ વાઇન શોપ તેમજ તેની આસપાસ દારૂનું સેવન કરવાની મનાઈ ફરમાવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્યપાલ ગંગવારે દારૂના વેપારીઓને સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે નિર્ધારિત સ્થાનો સિવાય અન્ય કોઈ જગ્યાએ દારૂનું સેવન ન થાય.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ દારૂ પીવા પર, દારૂની દુકાનોની બહાર પાર્કિંગની જગ્યાઓ પર અને રસ્તાના કિનારે પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ દારૂ પીવાથી સામાન્ય જનતાને અસુવિધા થઈ શકે છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. આના ઉલ્લંઘન પર દંડ અને છ મહિના સુધીની જેલ થઈ શકે છે. સામાન્ય લોકોને પણ નિર્ધારિત જગ્યાઓ સિવાય અન્ય સ્થળે દારૂ પીવાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ALSO READ : એક્સાઈઝ વિભાગનો સપાટોઃ બ્રાન્ડેડ દારુમાં કેમિકલની ભેળસેળ કરનારા 6 ગઠિયા પકડાયા
લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી સૂર્યપાલ ગંગવાર પણ ચૂંટણી પર ખાસ નજર રાખી રહ્યા છે. તેમણે અનેક રાજકીય પક્ષોના નેતાઓની હાજરીમાં EVM વેરહાઉસનું પણ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી સૂર્યપાલ ગંગવારે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ પક્ષોએ આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને રાજધાની લખનૌમાં પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. જેને જોતા પોલીસ પણ સતર્ક છે અને સઘન ચેકીંગ ઝુંબેશ પણ ચાલી રહી છે. પોલીસ જિલ્લાઓ અને રાજ્યોની સરહદો પર આવતા વાહનો પર પણ નજર રાખી રહી છે અને તેનું ચેકિંગ કરી રહી છે. પોલીસે શહેરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને અજાણ્યા લોકો પર નજર રાખી રહી છે.