ઉત્તર પ્રદેશમાં કાર નદીમાં ખાબકી, પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત…

લખીમપુર ખીરી : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર બેકાબુ થતા નદીમાં ખાબકી હતી. આ કારમાં બેઠેલા પાંચ લોકોના ડૂબવાથી મોત થયા છે. જયારે ડ્રાઈવરને ઈજા પહોંચી છે. જયારે આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાંચ લોકોના ડૂબવાથી મોત થયા
આ સમગ્ર અક્સ્માતની મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક કાર કાબુ ગુમાવીને નદીમાં ખાબકી હતી આ કારમાં સવાર છ લોકોમાંથી પાંચ લોકોના ડૂબવાથી મોત થયા છે. જ્યારે ડ્રાઇવરને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી કારે કાબુ ગુમાવી દેતા શારદા સાઇફનમાં ખાબકી હતી. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ડ્રાઇવરને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માત સોમવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ થયો હતો.
ડ્રાઇવરને વાહન ચલાવતા સમયે ઉંધ આવી હતી
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ લોકો લખીમપુરમાં એક લગ્નમાં હાજરી આપ્યા બાદ કાર દ્વારા બહરાઇચ જિલ્લામાં પરત ફરી રહ્યા હતા. ત્યારે શારદા સાઇફન નજીક ડ્રાઇવરને વાહન ચલાવતા સમયે ઉંધ આવી હતી અને વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના લીધે કાર સીધી નદીમાં ખાબકી હતી.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખીમપુર મોકલી આપ્યા
આ માહિતી મળતા પોલીસ ઇન્સ્પેકટર ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હ્તા અને બચાવ કામગીરી શરૂ કરી. જેમાં કાર ચાલક ને પોલીસે બહાર કાઢ્યો અને પ્રાથમિક સારવાર માટે મોકલ્યો છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય પાંચ લોકો નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. પોલીસે મૃતદેહો બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે લખીમપુર મોકલી આપ્યા છે.



