યુપીના ફિરોઝાબાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 5ના મોત

ફિરોઝાબાદ: ગત રાત્રે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ(Firozabad)ના નૌશેરા ગામમાં એક ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ગામમાં આવેલી એક ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં વિસ્ફોટ (Blast in Fire cracker factory) થયો હતો, આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે આજુબાજુના અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે, મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી.
મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ ઓફિસરના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે દટાયેલા 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં ફટાકડાના વેરહાઉસમાં આગ ફાટી નીકળ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો અને ત્યાર બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે વેરહાઉસની આસપાસના ઘરોની છત અને દિવાલો પણ ધરાશાયી થઈ હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, નૌશેહરા ગામમાં વર્ષોથી ફટાકડાનો ગેરકાયદે ધંધો ચાલે છે અને આ પહેલા પણ નાના મોટા અકસ્માતો થયા છે, પરંતુ આ વિસ્ફોટ અત્યાર સુધીનો સૌથી ભયાનક છે. સ્થાનિકો આ ગેરકાયદે ધંધાને સંપૂર્ણ રીતે બંધ કરવાની વહીવટીતંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે.
આ ઘટના બાદ ફિરોઝાબાદ પ્રશાસન ઊંઘમાંથી જાગ્યું છે અને ગેરકાયદેસર ફટાકડાના ગોદામોની તપાસના આદેશ આપ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે જો વેરહાઉસમાં કોઈ ગેરરીતિ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.