UPમાં નકલી સમૂહ લગ્નનું આયોજન, વર વગરની કન્યાઓ, એક્ટિંગ માટે રૂ.2000 અપાયા…

ગેરરીતી કરીને સરકારી ભંડોળ મેળળવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, તેનું શરમજનક ઉદાહરણ હાલમાં જ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન સમૂહ લગ્ન યોજનાનો લેવા નકલી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલામાં બે સરકારી અધિકારીઓ સહિત 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ 25 જાન્યુઆરીના રોજ બાલિયા જિલ્લામાં યોજાયેલા સમૂહ લગ્નમાં લગભગ 568 યુગલોના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ તંત્રને જણાવ્યું હતું. જો કે, પછીની તપાસમાં ખુલાસો થયો કે વર અને કન્યાની એક્ટિંગ કરવા માટે લોકોને રૂપિયા આપીને બોલાવવામાં આવ્યા હતા. રહેવાસીઓએ ખુલાસો કર્યો કે લોકોને હાજર થવા માટે રૂ.500 થી રૂ.2,000 સુધીની રકમ ઓફર કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાન સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડીના આરોપમાં સમાજ કલ્યાણ વિભાગના સહાયક વિકાસ અધિકારી અને આઠ લાભાર્થીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. 25 જાન્યુઆરીના રોજ મણિયાર ઈન્ટર કોલેજના પરિસરમાં યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં પહેલાથી પરિણીત લોકો પણ લગ્ન કરવા જોડાયા હતા.
એક મીડિયા અહેવાલ મુજબ, કેટલીક કન્યાઓ સામે કોઈ વર ન હતો, તેઓએ પોતે વરમાળા પહેરી લીધી હતી. લોકોને રૂ. 500 થી રૂ. 2,000 ની વચ્ચે ચૂકવવામાં આવ્યા હતા. લગ્ન જોવા ગયેલા યુવકોને પૈસાની ઓફર કરવામાં આવી હતી.
આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે બીજેપી વિધાનસભ્ય કેતકી સિંહ હાજર રહ્યા હતા. કથિત છેતરપિંડીમાં સરકારી અધિકારીઓની સંડોવણી અંગેના પ્રશ્નોના જવાબમાં કેતકી સિંહે કહ્યું હતું કે, “તેઓએ મને ઘટનાના બે દિવસ પહેલા જ જાણ કરી હતી. મને શંકા હતી કે ત્યાં કંઈક ખોટું છે. પરંતુ હવે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
યુપી સરકારની સ્કીમ હેઠળ સમૂહ લગ્નમાં લગ્ન કરનાર યુગલને 51,000 રૂપિયા ઓફર કરવામાં આવે છે, જેમાં છોકરીને 35,000 રૂપિયા ફાળવવામાં આવે છે, લગ્નની સામગ્રી માટે 10,000 રૂપિયા અને પ્રસંગ માટે 6,000 રૂપિયા આપવામાં આવે છે
વરિષ્ઠ અધિકારીએ જણવ્યું હતું કે મણિયાર વિકાસ બ્લોકમાં યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમના લાભાર્થીઓને હજુ સુધી ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું નથી. સહાયક વિકાસ અધિકારી સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસમાં આઠ લાભાર્થીઓ દોષિત ઠર્યા છે, અન્ય કોઈ દોષિત જણાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. લાભાર્થીઓની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, જે સુનિશ્ચિત કરે છે કે જ્યાં સુધી વ્યાપક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ લાભની રકમ ટ્રાન્સફર કરવામાં ન આવે.