
ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશમાં એક મોટો પર્દાફાશ થયો છે. જેમાં યુપી એસટીએફે ગાઝિયાબાદના પોશ વિસ્તારમાં એક કોલોનીમાંથી મોટી હવેલીમાં છાપો માર્યો હતો. ત્યારે એટીએસને ત્યાંથી નકલી દૂતાવાસ મળી આવ્યું હતું. જેને જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. જયારે એટીએસે આ સ્થળેથી કવિનગરના રહેવાસી હર્ષવર્ધન જૈનની ધરપકડ કરી હતી.
બંગલો ભાડે લઈને નકલી દૂતાવાસ ખોલ્યું
આ સમગ્ર છાપા દરમિયાન ચોંકાવનારી બાબત એ હતી કે, આરોપી હર્ષવર્ધન જૈન પોતાને વેસ્ટ આર્ક્ટિકા, સબોર્ગા, પોઉલ્વિયા અને લોડોનિયા જેવા સૂક્ષ્મ રાષ્ટ્રોના રાજદૂત હોવાનો દાવો કરીને નકલી દૂતાવાસ ચલાવતો હતો. તેમજ આરોપીએ કવિનગર ગાઝિયાબાદમાં એક બંગલો ભાડે લઈને વેસ્ટ આર્ક્ટિકા દૂતાવાસના નામે નકલી દૂતાવાસ ખોલ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાંથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ કૂટણખાનું, થાઈલેન્ડની 6 યુવતીઓ મળી…
12 નકલી ડિપ્લોમેટીક પાસપોર્ટ જપ્ત
જેમાં યુપી એસટીએફે તપાસમાં અનેક વસ્તુઓ જપ્ત કરી છે. જેમાં આરોપી પાસેથી ચાર ડિપ્લોમેટીક નંબર પ્લેટ લાગેલી ચાર લક્ઝરી ગાડીઓ, 12 નકલી ડિપ્લોમેટીક પાસપોર્ટ અને સૌથી મહત્વનું વિદેશ મંત્રાલયનો સ્ટેમ્પ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એસટીએફને આરોપી પાસેથી 34 અલગ અલગ વિદેશી કંપનીઓ અને દેશોના સ્ટેમ્પ, નકલી પ્રેસ કાર્ડ, પાન કાર્ડ અને 44.7 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. તેમજ વિદેશી ચલણ અને 18 ડિપ્લોમેટીક નંબર પ્લેટ પણ જપ્ત કરવામાં આવી છે.
ગેરકાયદે સેટેલાઈટ ફોન રાખવાના કેસમાં પોલીસ ફરિયાદ
આ અંગે એસટીએફના જણાવ્યા અનુસાર, આરોપી હર્ષવર્ધન જૈનનું મુખ્ય કામ વિદેશમાં નોકરીના નામ પર દલાલી નકલી દસ્તાવેજ બનાવવા અને શેલ કંપનીઓના માધ્યમથી હવાલા ટ્રાન્ઝેકશન કરવાનું હતું. એસટીએફને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે આરોપી પહેલા પણ વિવાદમાં રહી ચુક્યો છે. હર્ષવર્ધન પર વર્ષ 2011માં ગેરકાયદે સેટેલાઈટ ફોન રાખવાના કેસમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેનું નામ કુખ્યાત ચંદ્રાસ્વામી અને ઇન્ટરનેશનલ આર્મ્સ ડીલર અદનાન ખગોશીના સંપર્કમાં પણ હતો.
આ પણ વાંચો: “અગ્નિપરીક્ષા” બાદ લિબિયામાં ફસાયેલા 18 નાગરિકોની વતન વાપસી
પોલીસ અને તપાસ એજન્સીઓ નેટવર્ક શોધવામાં વ્યસ્ત
જેની બાદ એસટીએફની કાર્યવાહી બાદ કવિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આરોપી જોડે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ તેના આ નેટવર્કમાં કોણ કોણ જોડાયેલું છે અને કોને કોને શિકાર બનાવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને તપાસ એજન્સીઓ સમગ્ર નેટવર્ક શોધવામાં વ્યસ્ત છે.