યુપીના ફર્રુખાબાદમાં બે દલિત છોકરીઓની આત્મહત્યા કેસમાં 2 યુવકોની ધરપકડ
લખનઉ: ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં બે દલિત છોકરીઓના મૃતદેહો ઝાડ પર લટકતા મળી આવતા (Farrukhabad dalit girls suicide case) ખળભળાટ મચી ગયો છે. આ કેસના સંબંધમાં ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારે બે યુવકોની ધરપકડ કરી છે, યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, જાટવ સમુદાયના પવન અને દીપક નામના બે આરોપી ફોન પર છોકરીઓને હેરાન કરતા હતા. તપાસ મુજબ, પીડિતાના સામાનમાંથી મળી આવેલું સિમ કાર્ડ પવનના નામે રજીસ્ટર છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ 306 તરીકે ઓળખાતી હતી.
આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ છે, વિરોધ પક્ષો સત્તાધારી ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ કેસમાં પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા અને પીડિતો માટે ન્યાયની માંગ કરી.
ઉત્તર પ્રદેશના ફરુખાબાદના કયામગંજ પાસેના એક ગામમાં મંગળવારે સવારે 15 અને 18 વર્ષની બે દલિત છોકરીઓના મૃતદેહ એક આંબાના બગીચામાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ફરુખાબાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ(SP)ના જણાવ્યા અનુસાર, બંને પીડિતા ગાઢ મિત્ર હતી અને એક જ સમુદાયની હતી.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે જણવ્યું કે “પ્રારંભિક તારણો મુજબ બંને છોકરીઓ પડોશી અને ગઢ મિત્ર હતી. એક મૃતદેહ દુપટ્ટાના એક છેડે લટકતો જોવા મળ્યો હતો અને બીજો મૃતદેહ બીજા છેડે. તેમણે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હશે, પરંતુ પોલીસ આ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે.”
ગામના મંદિરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઝાંખી જોવા ગયેલી બંને છોકરીઓ સોમવારે રાત્રે પણ ઘરે પરત ન ફરતા પરિવારજનો તેમની દીકરીઓની શોધમાં નીકળ્યા હતા. થોડી કલાકો બાદ, પોલીસને તેમની લાશ ઝાડ પર લટકતી મળી.
પોલીસે જણવ્યું કે “એક જ ઝાડ પાસે એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો જ્યારે એક પીડિતાના સામાનમાંથી એક સિમ કાર્ડ મળી આવ્યું હતું”
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીઓ આ સિમ કાર્ડનો ઉપયોગ કરીને કલાકો સુધી આરોપીઓ સાથે વાત કરતી હતી અને સિમ કાઢી નાખતી હતી અને કોલ પછી કોલ લોગ ફોર્મેટ કરતી હતી. ફરિયાદમાં પિતાએ આરોપ લગાવ્યો છે કે બંને છોકરાઓ તેમની દીકરીઓને હેરાન કરતા હતા.
પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ કે છોકરીઓનું મૃત્યુ આત્મહત્યા દ્વારા થયું હતું, અને પરિવારના હત્યાના આરોપને ફગાવી દીધો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે બંને બાળકીના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. જોકે, પોલીસ હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણી શકી નથી.