ટોપ ન્યૂઝનેશનલ

AAP સાંસદ સંજય સિંહની ફરી ધરપકડ થશે! કોર્ટે 23 વર્ષ જૂના મામલે આદેશ આપ્યો

લખનઉ: દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (AAP MP Sanjay Singh)હાલ સુપ્રીમ કોર્ટે આપેલા જામીન પર જેલની બહાર છે, એવામાં તેમની મુશ્કેલીઓ ફરી વધી છે, પરંતુ આ વખતે 23 વર્ષ પહેલાના એકના એક મામલામાં ઉત્તર પ્રદેશની એમપી/એમએલએ એક કોર્ટે સંજય સિંહની ધરપકડના આદેશ આપ્યા છે.

ઉત્તર પ્રદેશની એમપી-એમએલએ કોર્ટે વિરોધ પ્રદર્શન કરવા અને રોડ બ્લોક કરવાના 23 વર્ષ જૂના કેસમાં AAPના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ વિધાનસભ્ય અનુપ સાંડા ઉપરાંત અન્ય ચાર આરોપીઓ સામે જાહેર કરવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટના અમલ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તમામ આરોપીઓ સામે ધરપકડ વોરંટ બહાર પડ્યું છે અને પોલીસને તેમને 28 ઓગસ્ટ સુધીમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.

13 ઓગસ્ટના રોજ સંજયસિંહ, સાન્ડા અને અન્ય ચાર આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું, જેની સુનાવણી 20 ઓગસ્ટના રોજ રાખવામાં આવી હતી, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. સંજય સિંહ અને સાંડાના વકીલ મદન સિંહે જણાવ્યું હતું કે તેમની જામીન અરજી અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ સબમિટ કરવામાં આવી છે, જેની સુનાવણી 22 ઓગસ્ટે થવાની છે.

આ કેસ 19 જૂન 2001નો છે, લખનઉ નાકા પાસે વીજળી, પાણી અને અન્ય મુદ્દાઓ બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં સંજય સિંહ, અનૂપ સાંડા વગેરે સામેલ હતા. કોતવાલી નગરના ઈન્સ્પેક્ટરે પ્રદર્શન અને રોડ જામ કરવા બાબતે તેમની સામે કેસ નોંધ્યો હતો. એમપી-એમએલએ કોર્ટમાં પોલીસે સાંસદ સંજય સિંહ, પૂર્વ વિધાનસભ્ય અનૂપ સાંડા, પૂર્વ કાઉન્સિલર કમલ શ્રીવાસ્તવ, વર્તમાન નામાંકિત કાઉન્સિલર વિજય, કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંતોષ કુમાર, સુભાષ ચૌધરી અને પ્રેમ પ્રકાશ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

લગભગ દોઢ વર્ષ પહેલા આ કેસમાં આ તમામને ત્રણ મહિનાની જેલ અને દોઢ હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી. આની સામે તમામે સેશન્સ કોર્ટનો સહારો લીધો, પરંતુ ત્યાં પણ તેમને રાહત મળી ન હતી, 9 ઓગસ્ટે તેમને નીચલી કોર્ટમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. સરેન્ડર કરવાને બદલે તેમણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button