ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સીતારામ વર્માની પત્ની ગુમ
લખનઉઃ સુલ્તાનપુરના લંભુઆના ભાજપના ધારાસભ્ય સીતારામ વર્માની પત્ની લખનૌના ઈન્દિરાનગર સ્થિત તેમના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેમના પુત્રએ ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસની ટીમો તેમને શોધી રહી છે.
ડીસીપી નોર્થે જણાવ્યું કે ધારાસભ્ય સીતારામ વર્માનું ગાઝીપુર સેક્ટર-8માં ઘર છે. તેમની 65 વર્ષીય પત્ની પુષ્પા વર્મા તેમના પરિવાર સાથે અહીં રહે છે. મંગળવારે સવારે છ વાગ્યે પુષ્પા કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરથી નીકળી ગઈ હતી. જ્યારે ઘણી શોધખોળ બાદ પણ તે ન મળી ત્યારે પુત્ર નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ પંકજ કુમારે તેના પિતાને જાણ કરી હતી. દરમિયાન પુત્ર પંકજે ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બપોરે ધારાસભ્ય સીતારામ વર્મા સુલતાનપુરથી લખનઉ પહોંચ્યા હતા. ધારાસભ્ય ડીસીપીને મળ્યા અને તેમની પત્નીને શોધવામાં મદદ માંગી હતી. ડીસીપીએ પુષ્પાને શોધવા માટે ગાઝીપુર અને ઈન્દિરાનગર પોલીસની ટીમો તૈનાત કરી છે.
ડીસીપીએ જણાવ્યું કે સવારે 9 વાગ્યાની આસપાસ પુષ્પા ઈન્દિરાનગરમાં ઓરોબિંદો પાર્ક ચોકી પાસે જોવા મળી હતી. પોલીસ સીસીટીવી કેમેરા અને ઈન્ટરનેટ મીડિયાની મદદથી તેમને શોધી રહી છે. પુષ્પા વર્મા સ્મૃતિ ભ્રંશથી પીડિત છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે.