ગુજરાતને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું ઉત્તર પ્રદેશ
મોહાલી: અનુભવી ઝડપી બોલર ભૂવનેશ્ર્વર કુમાર અને મોહસીન ખાનની શાનદાર બોલિંગ અને નીતીશ રાણાની આક્રમક અડધી સદીની મદદથી ઉત્તર પ્રદેશે મંગળવારે અહીં ગુજરાતને છ વિકેટે હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટૂનામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૨૭ રન જ કરી શકી હતી. જેના જવાબમાં ઉત્તર પ્રદેશે નીતીશ રાણાની ૪૯ બોલમાં ૭૧ રનની અણનમ ઇનિંગને કારણે આઠ બોલ બાકી રહેતા જીત નોંધાવી હતી. ભૂવનેશ્ર્વર કુમારે શાનદાર બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં ૨૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અન્ય ફાસ્ટ બોલર મોહસિને ૧૩ રનમાં બે વિકેટ લીધી હતી
ગુજરાત માટે માત્ર સૌરવ ચૌહાણ (૨૧ બોલમાં ૩૨ રન) સારી બેટિંગ કરી શક્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ઉત્તર પ્રદેશની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ટીમે ચોથી ઓવરમાં ૨૨ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાણાએ સમીર રિઝવી (૩૯ બોલમાં ૩૦ રન) સાથે મળીને ૧૨.૧ ઓવરમાં ૮૧ રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક લઇ ગયા હતા. રાણાએ પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.