ઉત્તર પ્રદેશમાંથી 3 કરોડની પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો જપ્ત, ત્રણ લોકોની ધરપકડ…

સોનભદ્ર : દેશના બે રાજ્ય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત થયા હતા. જેના પગલે એકશનમાં આવેલી કેન્દ્ર સરકારે અનેક કફ સિરપો પર પ્રતિબંધ મુક્યો હતો. જેની બાદ હવે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 3 કરોડ રૂપિયાની કિંમતની કફ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પહેલાથી જ આ કફ સિરપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધિત કફ સિરપની 1.19 લાખ બોટલ ઝારખંડ લઈ જવામાં આવી રહી હતી. સોનભદ્રમાં પોલીસ અને એક્સાઇઝ વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમે પ્રતિબંધિત કફ સિરપ જપ્ત કરી હતી. તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
1.19 લાખ બોટલો જપ્ત કરવામાં આવી
આ અંગે અધિક પોલીસ અધિક્ષક અનિલ કુમારે જણાવ્યું હતું કે શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ચુર્ક નજીક બે કન્ટેનર ટ્રકમાં ગાઝિયાબાદથી ઝારખંડ લઈ જવામાં આવતી હતી. તેમાં આશરે 3 કરોડ રૂપિયાની કિંમતની પ્રતિબંધિત કફ સિરપની 1.19 લાખ બોટલો જપ્ત કરવામાં આવી હતી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત દવા
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે કફ સિરપની તપાસ કર્યા પછી, ડ્રગ ઇન્સ્પેક્ટરે પુષ્ટિ કરી હતી કે તેમાં નાર્કોટિક પદાર્થ કોડીન છે, જેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS)એક્ટ હેઠળ પ્રતિબંધિત દવા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ મધ્ય પ્રદેશના રહેવાસી છે. હેમંત પાલ શિવપુરીનો રહેવાસી છે. બ્રજમોહન શિવહરે અને રામગોપાલ ધાકડ ગ્વાલિયર જિલ્લાના રહેવાસી છે.
આ પણ વાંચો…MP કફ સિરપ કાંડ બાદ WHOની ચેતવણી! ભારતમાં બનેલી 3 સિરપને જોખમી ગણાવી