ઉત્સવનેશનલસ્પેશિયલ ફિચર્સ

કેમ છો ના પૂછિયો કોઇ… મજામા છો ? ના, નથી!

મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઈટલ્સ:
અમુક સવાલના જવાબ સવાલ ના ચાલે. (છેલવાણી)
ઘણાં લોકો તો હાલતા-ચાલતા પરીક્ષાપત્રો જેવા હોય છે. જેવા સામે મળે કે તરત પૂછે, કેમ છે? શું ચાલે છે? ઘરમાં બધાં મજામાંને? ધંધા-પાણી બરોબર ચાલે છે ને? કેમ સુકાઇ ગયા છો? કોઇ ટેંશન છે?’

આપણને થાય કે આ ૬ સવાલમાંથી કોઈપણ ૪નાં જ જવાબ આપવાના કે બધાં જ કંપલસરી છે? આ ‘આઈ.આઈ.ટી’. કે નીટ’ની એન્ટ્રેંસ એક્ઝામ જેટલી જ આ યે અઘરી પરીક્ષા છે.

(જો કે ‘નીટ’ પરીક્ષાની જેમ આમાં ય પ્રશ્ર્નપત્રો પહેલેથી ફૂટેલાં જ હોય છે!)
તુલસીદાસજી સદીઓ પહેલાં કહી ગયા છે: તુલસી ઈસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, સબસે હંસ મિલ બોલીયે, નદી નાંવ સંજોગ’ પણ સહજ સવાલોનાં સંજોગોને કઇ રીતે હેન્ડલ કરવા એના કોઇ કોચિંગ ક્લાસ નથી હોતા.

એમાં યે મિત્રો કે પરિચિતો જ્યારે અચાનક ભટકાઈ જાય, ત્યારે ફોર્મલ વાતો કઈ રીતે કરવી એ મહા-કસોટી છે.

ગુજરાતીમાં સરસ શબ્દ છે: ‘ખબર-અંતર’ એમાં ખબર પણ છે ને અંતર પણ. ખબર પૂછવાની વાત તો છે પણ જરા અંતર રાખીને કે પછી બે જણ વચ્ચેનું અંતર દૂર કરીને?

ઘણીવાર ‘મજામાં છો?’ સવાલ સાંભળીને આપણે વિચારમાં પડી જઇએ કે ‘હાયલા! શું હું ખરેખર મજામાં છું? ખરેખર જીવનમાં બધું બરોબર છે?’ જો કે પૂછનારને આપણા જવાબની જરા યે પડી નથી હોતી.

એ માત્ર એટલું જ ક્ધફર્મ કરવા માગ છે કે તું જીવે છે?’ અર્થાત્ આપણે ઉક્લી તો નથી ગયાને? કદાચ આવનારા સમયમાં એવો ય સમય આવશે કે કોઇ ખબર-અંતર પૂછે ત્યારે મોબાઇલ-ફોન પર રેકોર્ડ કરેલો જવાબ સંભળાવી દેવાશે: હું મજામાં, ઘરે સૌ મજા પાડોશીઓ મજામાં, આખી ગલી મજામાં, બીજું કાંઇ?’

પછી બની શકે કે સામેવાળો પણ એના ફોન પર સંભળાવશે: સરસ! તો આવજો!’

ઇંટરવલ:
સવાલ યહ હૈ હવા આઇ કિસ ઇશારે પર?

ચિરાગ કિસકે બુઝે યે સવાલ થોડી હૈ? (નાદિમ નદીમ)
આપણને ફોર્મલ સવાલોના ફોર્મલ જવાબોનો કંટાળો આવે પણ ધારો કે આપણે કોઈકને અમસ્તું પૂછીએ: ‘મજામાં છો?’ ને ધારો કે એ દુ:ખભરી કથા વિસ્તારથી સંભળાવે કે-‘એકચ્યુઅલી, હું મજામાં નથી.

એકચ્યુઅલી એવું છે ને મને પેટમાં બળતરાં થવાથી આંખે અંધારાં આવે છે તો..’

તો ત્યારે આપણને કહેવાનું મન થઇ શકે: મજામાં તો હું ય નથી પણ મોડું થાય છે, નહીં તો હું ય કહેત કે- ‘મને ફલૂ થયેલો ત્યારે ત્રણ દિવસ તાવને કારણે આંચકી આવતી ને હાથમાં દહીં હોય તો ધ્રુજી-ધ્રુજીને લસ્સી બની જતી!’

એવું નથી કે આપણને ‘હાઉ આર યુ?’કહેનારની પડી નથી, પણ સૂઝ નથી પડતી કે એને સાચું કહેવું કે ખોટું? અણધાર્યા સવાલોના એટેક, એકે-૪૭ મશીનગન જેવા હોય છે. વળી તમે જો કોઇને પૂછો તો ઊલટા પણ ફસાઇ શકો છો. જેમ કે ‘શું ચાલે છે?’

‘કાલે જ નોકરી છૂટી ગઈ છે.’ ઓહ!’ કહીને તમે ચૂપ. એની ગયેલી નોકરી પર બે મિનિટનું મૌન પરાણે પાળવું પડે, કારણ કે આપણી પાસે જવાબ નથી. પછી હિમ્મત કરીને નવેસરથી શરૂ કરો કે ‘બાકી બધું ઠીક? ફેમિલી મજામાં?’

‘ના રે, ઘરનાં બધાં હૉસ્પિટલમાં છે. હવે તો અમારી ફેમિલી માટે ત્યાં એક સ્પેશિયલ વોર્ડ જ ખોલી આપવાનું નક્કી કર્યું છે! અમને તો હૉસ્પિટલમાં ‘ફેમિલી-મેમ્બરશિપ’ પણ ઓફર થઇ છે!’

‘અરેરે..તમારી તબિયત તો સારી છેને?’ ‘મારે ય હવે ૪ અઠવાડિયાં જ બચ્યાં છે!’ ‘ઓહ! અચાનક શું થયું? કોઇ ગંભીર બીમારી?’ તમે ચોંકી ઉઠો.

ના-ના, ૪ અઠવાડિયાં કમ્પ્લીટ હેલ્થ ટેસ્ટ કરાવવાના બચ્યાં છે. જોઇએ, હવે શું રિપોર્ટ આવે છે, કારણ કે આજકાલ વાળ ખરવાં માંડ્યાં છે ને નખ વધવા માંડ્યા છે!’ એમ એ કહે ત્યારે તમે સમજી જાવ છો કે આ માણસ કમસેકમ અડધો કલાક પોતાના અંગે-અંગના એક્સ-રે નહીં દેખાડે ત્યાં સુધી નહીં છોડે. કારણ? કારણ એટલું જ કે તમે એને કેમ છો?’ પૂછ્યું છેને એટલે!

ઘણા લોકો આવતાં-જતાં, હાલચાલ એમ પૂછે કે જેમ ટ્રેનમાં ફેરિયાઓ ‘સીંગ-ચણા.. સીંગ-ચણા’ બોલીને પસાર થઇ જાય. એમનાં ‘હાઉ આર યુ?’માં માત્ર સાઉન્ડ હોય, સંવેદના નહીં. બીજી બાજુ, કોઇક આંખોમાં આંખો પરોવીને પૂછે, ‘એય., તું કેમ છે? મજામાં છોને?’

ફરક એ કે દિલથી પૂછનાર ‘તું કેમ છે?’માં ‘તું’ પર વિશેષ ભાર આપે છે. એને મન આ અખિલ બ્રહ્માંડમાં (બીજા બધાં તેલ લેવા જાય પણ!) એને માત્ર ‘તું’માં, ‘તમારા’માં રસ છે.. અને એ ‘મજામાં છે-ને?’માં એ જે રીતે ‘ને’ ઉમેરે છે, એ ‘ને’માં એને ખરેખર ચિંતા છે.

એમના સવાલમાં વહાલ હોય છે. એમાં રેસ્ટોરંટનાં વોશ- બેસિનમાં લટકાવેલ નેપકિનને લૂછી નાખવા જેમ પૂછી નાખવાની રૂટિન વાત નથી. જ્યારે ફોર્મલ લોકો- ‘તું કેમ છે?’માં ‘કેમ’ પર ભાર આપતા હોય છે..એમને નવાઇ એની કે હજી તું ‘મજામાં કેમ’?’!

એટલે ‘કઇ રીતે?’ રહી શકે છે! જાણે હજી ‘કેમ જીવી રહ્યાં છે?’ એવું પૂછતા ના હોય. આવા લોકોના સવાલમાં જ જવાબ છૂપાયેલ હોય કે-‘તું મજામાં હોય કે ના હોય, મને શું? જેમ મંગળ પર માણસ હોય કે ના હોય, મને શું? કોરિયામાં કોથમીર મળે કે ના મળે, મને શું?’

ખરેખર તો કોઇ અકારણ, કુશળ-મંગલ પૂછે એ આનંદની વાત છે…બાકી જ્યારે કોઇ પૂછવાનું જ બંધ કરશે ત્યારે દુનિયા એકલી-અટૂલી લાગશે.

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું કેમ છે?
ઇવ: થાય છે- કેમ છું ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button