ઉસ્તાદ રાશિદ ખાનનું પંચાવનમે વર્ષે નિધન
કોલકત્તા: શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશિદ ખાને મંગળવારે કોલકાતાની એક હૉસ્પિટલમાં ૫૫ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યા હતા. ડિસેમ્બરથી તેમની તબિયત લથડવા લાગી હતી. ૨૩ ડિસેમ્બરના રોજ રિપોર્ટ આવ્યા હતા કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ આઇસીયુમાં દાખલ હતા અને વેન્ટિલેટર પર હતા. શરૂઆતમાં તેમની સારવાર મુંબઈની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેઓને કોલકાતામાં એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હૉસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ અમને નિષ્ફળતા મળી છે. તેઓએ બપોરે ૩:૪૫ વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ સમગ્ર દેશ અને સમગ્ર સંગીત જગત માટે એક મોટી ખોટ છે. હું ખૂબ દુ:ખી છું. મને હજુ પણ વિશ્ર્વાસ નથી આવતો કે રાશિદ ખાન હવે નથી રહ્યા.
ઉસ્તાદ રાશિદ ખાનનો જન્મ ઉત્તર પ્રદેશના બદાયૂમાં થયો હતો. તેમણે તેમના નાના ઉસ્તાદ નિસાર હુસૈન ખાન પાસેથી તાલીમ લીધી હતી. રાશિદ ખાનનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ ૧૧ વર્ષની ઉંમરે હતું. તેઓ રામપુર-સહસવાન ઘરાનાના ગાયક હતા. તેમણે ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરનાર ઉસ્તાદ રાશિદ ખાનને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.