iPhone 17: હજુ તો માર્કેટમાં આવ્યો નથી ત્યાં આઈફોન-17માં પડવા લાગ્યા છે સ્ક્રેચ

એપલે તેની આઇફોન 17 સિરિઝ લોન્ચ કરી ત્યારે મુંબઈમાં બાન્દ્રા ખાતેના સ્ટોરમાં ધક્કામુકી થઈ હતી. લોકોએ રીતસરની લાઈન લગાવી હતી, પરંતુ જેમણે ખરીદ્યો છે, તે તમામ હવે અફસોસ અને ફરિયાદો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોનધારકો ટેકનોલોજી ક્ષેત્રમાં જાયન્ટ કહેવાતી કંપની પર ફરિયાદોનો વરસાદ કરી રહ્યા છે. આનું કારણ એ છે કે મોબાઈલની આઉટરબોડી પર સ્ક્રેચ પડી ગયા છે. આ મુદ્દાને સોશિયલ મીડિયામાં સ્ક્રેચગેટ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા ફોનધારકો પોતાના મોબાઈલના ફોટા પોસ્ટ કરી કંપની પાસેથી જવાબ માગી રહ્યા છે.
‘સ્ક્રેચગેટ’ ખરેખર શું છે?
આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સ મોડેલોને નવા એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ યુનિબોડી ફ્રેમ સાથે લોંચ કરવામાં આવ્યા છે. એપલે ગયા વર્ષની આઇફોન 16 સિરિઝમાં ઉપયોગમાં લેવાતા ટાઇટેનિયમ ફ્રેમને છોડી દીધો છે, આ વખતે લાઈટ બોડી અને ડિઝાઈન બનાવવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે યુઝર્સ કહે છે કે આ મોડેલોનો ઉપયોગ કર્યાના થોડા કલાકોમાં જ સ્ક્રેચ દેખાવા લાગે છે, ખાસ કરીને ડીપ બ્લુ જેવા ડાર્ક કલરમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.
આ મુદ્દા પર સૌથી પહેલા બ્લૂમબર્ગના ટેકનોલોજી એકસપર્ટ માર્ક ગુરમેનએ સોશિયલ મીડિયા પર આ વાતે ધ્યાન દોર્યું છે. ડીપ બ્લુ રંગના iPhone 17 Pro પર સ્ક્રેચ પડતા દેખાય છે. ડાર્ક એલ્યુમિનિયમ ફિનિશવાળા અગાઉના iPhone મોડેલોમાં પણ આવી જ સમસ્યાઓ રહી છે. કદાચ તેથી જ આ વર્ષે બ્લેક કલર નથી, તેવી પોસ્ટ તેણે એક્સ પર કરી છે.
અમુક ખરીદનારાએ તો Apple સ્ટોર્સમાં મૂકવામાં આવેલા ડેમો યુનિટ્સ પર પણ સ્ક્રેચ જોયા છે. X યુઝર @krips એ પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો કે Appleના શોરૂમમાં ફક્ત એક દિવસ થયો છે, અને iPhone 17 Pro અને Pro Max બેકપ્લેટ પર સ્પષ્ટપણે સ્ક્રેચ દેખાઈ રહ્યા છે. આ #Scratchgate કેમ છે. આવી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એપલએ હજુ જવાબ આપ્યો નથી
Apple એ આ બાબતે કોઈ જવાબ આપ્યો નથી. દરમિયાન ઘણા ગુસ્સે થયેલા ગ્રાહકો અન્ય લોકોને નવો iPhone ખરીદ્યા પછી તરત જ કેસ (બોડીકવર) નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે, નહીતર તેમણે પણ સ્ક્રેચનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો…iPhone 17 ની ખરીદી માટે મુંબઈમાં બીકેસી સેન્ટર ખાતે મારામારી, પોલીસ બોલાવી પડી…