કૉંગ્રેસનો એજેન્ડા સાથી પક્ષોને યુઝ એન્ડ થ્રો: વડા પ્રધાન મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરાવતી (આંધ્ર પ્રદેશ): કૉંગ્રેસ અને તેના ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાથીઓની ઝાટકણી કાઢતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે સૌથી જૂની પાર્ટીનો એક જ એજેન્ડા છે, સાથી પક્ષોને વાપરો અને ફેંકો (યુઝ એન્ડ થ્રો).
એનડીએની પાલનાડુ જિલ્લાના બોપ્પુડીમાં ચૂંટણી રેલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડીના નેતૃત્વ હેઠળની વાયએસઆરસીપી અને કૉંગ્રેસ બંને એક જ છે અને તેઓ એક પરિવાર દ્વારા સંચાલિત થઈ રહી છે.
એનડીએમાં બધાને સાથે લઈને ચાલીએ છીએ, બીજી તરફ કૉંગ્રેસનો એક જ એજેન્ડા છે કે યુઝ એન્ડ થ્રો (વાપરો અને ફેંકો). આજે કૉંગ્રેસે ફરજ પડી એટલે ‘ઈન્ડિયા’ ગઠબંધન બનાવ્યું છે. આમ છતાં તેમની વિચારધારા તો એવી જ છે. કેરળમાં ડાબેરીઓ અને કૉંગ્રેસ એકબીજાને શું કહી રહ્યા છે તે સાંભળો. બંગાળમાં ટીએમસી અને ડાબેરીઓ એકબીજા માટે શું કહે છે તે સાંભળો, કૉંગ્રેસ અને આપ પંજાબમાં એકબીજા માટે કેવી ભાષા વાપરે છે તે સાંભળો, જે લોકો ચૂંટણી પહેલાં આવી રીતે એકબીજા સાથે લડી રહ્યા છે તે ચૂંટણી પછી શું કરશે તે વિચારી લેજો, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે એનડીએ પ્રાદેશિક આકાંક્ષાઓ અને દેશની પ્રગતિને લઈને ત્રીજી વખત ચૂંટણીનો સામનો કરવા માટે આગળ વધી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં દેશના 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે. (પીટીઆઈ)