અમેરિકાના વિઝા માટે અરજી કરતા પહેલાં વાંચી લો આ સમાચાર…

વોશિંગ્ટન ડીસી/નવી દિલ્હીઃ અમેરિકા જતા વિદ્યાર્થીઓ, લોકો માટે મહત્ત્વના સમાચાર છે. અમેરિકાએ વિઝા પોલિસીમાં બદલાવ કર્યો છે અને વિઝા અરજી કરનારા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવાનો નિયમ બનાવ્યો છે, જે ઓનલાઈન સુરક્ષા તથા ગોપનીયતા પર સવાલ ઊભા કરે છે.
તાજેતરમાં ભારતમાં અમેરિકાના દૂતાવાસે એક્સ પોસ્ટમાં કહ્યું કે, અમેરિકા માટે એફ, એમ કે બિન પ્રવાસી વિઝા માટે અરજી કરનારા તમામ વ્યક્તિઓને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની ગોપનીયતા જાહેર કરે. જેથી કરીને અમેરિકાના કાનૂન અંતર્ગત તમારી ઓળખ અને જરૂરી તપાસ કરી શકાય. યુએસએ વિઝા માટે સોશિયલ મીડિયાની તપાસ 2019થી જ લાગુ કરી છે, પરંતુ આ નવી જાહેરાતથી વિદેશી વિદ્યાર્થીઓ કે અહીંયા કામ કરવા આવતાં લોકોએ હવે અભૂતપૂર્વ સ્તરના મોનિટરિંગનો સામનો કરવો પડશે.

વિઝા અરજીમાં રેડિટ, ઈન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, લિંક્ડઈન અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી આપવી પડશે. વ્યક્તિગત અને પ્રોફેશનલ પોસ્ટ, રિપ્લાય, અપલોડ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો, કમેન્ટ, ટેગ કરવામાં આવેલી તસવીરો અને પોસ્ટ, સ્ટેટસ અપડેટ તથા લાઈક કરવામાં આવેલી ચીજોને પણ જાહેર કરવી પડશે.
અમેરિકાના ઘણા શહેરોમાં પેલેસ્ટાઈનના વિદ્યાર્થીઓના સમર્થનમાં થઈ રહેલા પ્રદર્શન અને આઈસીઈના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખી અધિકારીઓ દેશમાં આવતા વિદ્યાર્થીઓ આવી ગતિવિધિઓનું સમર્થન ન કરે કે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ દરમિયાન ઈઝરાયલના વિરોધમાં કોઈ પોસ્ટ ન કરે તેમ ઈચ્છે છે. અમેરિકા વિઝા મેળવતા લોકો માટે છેલ્લા પાંચ વર્ષમાં ઉપયોગ કરવામાં આવેલા સોશિયલ મીડિયા હેન્ડલનું લિસ્ટ પણ આપવું પડશે. આ લિસ્ટ આપતા પહેલા તેઓ કોઈ પોસ્ટ હટાવી શકે છે.
એકાઉન્ટ કેટલા સમય સુધી પબ્લિક રાખવું પડશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલિટ કરવામાં આવે તો વિઝા અરજી રદ્દ પણ થઈ શકે છે.
આપણ વાંચો : ગેરકાયદે રહેનારા અથવા વિઝા ફ્રોડ કરનારાને અમેરિકન દૂતાવાસે આપી ચેતવણી