અમેરિકાએ ભારતને લૉસ ઍન્જલસમાં એલચી કચેરી ખોલવાની વિનંતી કરી
નવી દિલ્હી: લૉસ ઍન્જલસના મેયર અને અમેરિકાસ્થિત ભારતીય સમુદાયના લોકોએ ભારત સરકારને અમેરિકાના બીજા ક્રમાંકના સૌથી મોટા શહેર અને વિશ્વની મનોરંજનની રાજધાની ગણાતા લૉસ ઍન્જલસમાં એલચીકચેરી ખોલવાની વિનંતી કરી છે.
વર્તમાનમાં અમેરિકાના ન્યૂ યૉર્ક, સૅન ફ્રન્સિસ્કો, શિકાગો, હ્યૂસ્ટન અને ઍટલાન્ટા એમ કુલ પાંચ શહેરમાં ભારતની એલચીકચેરી છે.
જૂન મહિનામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉસ ઍન્જલસ શહેરની ઐતિહાસિક મુલાકાત લીધી હતી અને તે સમયે જાહેરાત કરી હતી કે ભારત અમેરિકામાં બે નવી એલચીકચેરી ખોલશે જેમાંની એક સિએટલમાં હશે.
હવે લૉસ ઍન્જલસના મેયર અને ભારતીય સમુદાયના લોકો બીજી એલચીકચેરી તેમના શહેરમાં ખોલવાની ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે. લૉસ ઍન્જલસએ અમેરિકાનું બીજા નંબરનું સૌથી મોટું શહેર ગણાય છે.
ભારતીય એલચીકચેરી ખોલવા માટે લૉસ ઍન્જલસના નામની વિચારણા કરવાની હું વિનંતી કરું છું. આ માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવા અને તમારી સાથે કામ કરવું એ મારું સન્માન હશે, એમ તેમણે કહ્યું હતું.
દર વરસે એક લાખ કરતા પણ વધારે ભારતીય લૉસ ઍન્જલસની મુલાકાતે જાય છે.
નવી એલચીકચેરી આ પ્રવાસીઓને મહત્ત્વની સેવા પૂરી પાડવાની સાથે સાથે દ્વિપક્ષી સંબંધો સુધારવામાં પણ નોંધપાત્ર ભૂમિકા પૂરી પાડશે. (એજન્સી) ઉ