નેશનલ

ટેક પ્રોડક્ટમા ટેરિફ છૂટ બાદ અમેરિકન શેરબજારમા તેજી, નાસ્ડેકમા 1.25 ટકાનો ઉછાળો

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની જાહેરાત બાદ અમેરિકા સહિત વિશ્વના શેરબજારોમા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે, તેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન છોડીને અન્ય દેશોને રાહત આપવાની જાહેરાતથી બજારમાં થોડો સુધાર થયો હતો. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પની ચીનથી અમેરિકામાં આયાત થતા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ટેરિફ રાહત આપવાના નિર્ણય બાદ અમેરિકન શેરબજારમા તેજી જોવા મળી છે. જેમા ડાઉ જોન્સ 0.5 ટકા , S&P 500 0.75 ટકા વધ્યા જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ફ્યુચર્સ 1.25 ટકા વધ્યા છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ચીનથી અમેરિકામાં નિકાસ થતા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પરનો પારસ્પરિક ટેરિફ દૂર કર્યો હતો. આ પછી, કમ્પ્યુટર, ફોન અને સેમિકન્ડક્ટર પર ફક્ત 20 ટકા ટેરિફ લાદવામાં આવશે જે ટ્રમ્પ દ્વારા ચીની માલ પર પહેલાથી જ લાદવામાં આવ્યો હતો.

આ મુક્તિ કાયમી નથી

આ ઉપરાંત એપલ, માઈક્રોસોફ્ટ અને એનવીડિયા જેવા ટેક ઉત્પાદકો ચીન પર ખૂબ નિર્ભર છે. તેથી રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા બાદ iPhones અને આવા અન્ય ઉત્પાદનો વધુ મોંઘા થઈ જશે. જોકે, વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે કહ્યું કે આ મુક્તિ કાયમી નથી. તેમજ અન્ય વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા પર સેમિકન્ડક્ટર આયાતની અસરની તપાસ બાદ બીજો ટેરિફ લાદવામાં આવી શકે છે.

રોકાણકારો હજુ પણ શંકાસ્પદ છે

આ અગાઉ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે અન્યાયી વેપાર સંતુલન માટે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં, ખાસ કરીને ચીન જે સૌથી વધુ ખતરો છે.

ટેરિફ અંગે સતત મૂંઝવણને કારણે, ઘણા રોકાણકારોએ આ મુદ્દા પર સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી તેમના નિર્ણયો મુલતવી રાખ્યા છે. જ્યારે નિષ્ણાતોના મતે અમેરિકા કેટલાક દેશોને ખાસ છૂટછાટો આપતું રહે છે ત્યાં સુધી રોકાણકારો અમેરિકામાં રોકાણ કરશે નહીં.

આપણ વાંચો:  પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, પ્રત્યાર્પણની માગ

60 દેશો પર ઊંચા ટેરિફ દર લાદવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે તાજેતરના અઠવાડિયામાં ટ્રમ્પ દ્વારા કેટલાક દેશો પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હતા. બધા દેશો પર 10 ટકાનો બેઝલાઇન ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે 60 દેશો પર ઊંચા ટેરિફ દર લાદવામાં આવ્યા હતા, જેમાં કંબોડિયા પર 49 ટકા, વિયેતનામ પર 46 ટકા અને યુરોપિયન યુનિયન પર 20 ટકાનો સમાવેશ થાય છે. 3 એપ્રિલે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને રોકાણકારોએ લગભગ 6 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button