
નવી દિલ્હી/વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર લગાવેલો વધારાનો 25 ટકા ટેરિફ હટાવવાની જાહેરાત કરી હતી. આ પગલું બંને દશો વચ્ચે થયેલી ટ્રેડ ડીલ અંતર્ગત ભરવામાં આવ્યું હતું. ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, ભારતે રશિયન ફેડરેશન પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેલની આયાત બંધ કરવાનું વચન આપ્યું છે.
અમેરિકા-ભારત ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યા છે. જોકે, આ ઘટાડો અમલમાં આવવો હજુ બાકી છે. વ્હાઇટ હાઉસ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક અલગ સંયુક્ત નિવેદન અનુસાર, કરારની અન્ય શરતોમાં કેટલાક વિમાનો અને તેના સ્પેરપાર્ટ્સ પરથી ટેરિફ હટાવવાનો પણ સમાવેશ થાય છે.
નિવેદનમાં જણાવાયું છે કે ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના એનર્જી પ્રોડક્ટ્સ, એરક્રાફ્ટ અને પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેક પ્રોડક્ટ્સ અને કોકિંગ કોલ (કોલસો) ખરીદશે.
ભારત-અમેરિકા વચ્ચે તણાવનો અંત!
આ ડીલથી ભારતના રશિયન ઓઈલ ખરીદવાને લઈને મહિનાઓથી ચાલી રહેલા તણાવમાં ઘટાડો થયો છે. અમેરિકાનું કહેવું હતું કે આ ખરીદી દ્વારા તે યુદ્ધ (રશિયા-યુક્રેન) માટે ભંડોળ મળી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે 18 ટકા ટેરિફ લેવલ ભારતીય નિકાસકારોને અમેરિકન માર્કેટમાં આ ક્ષેત્રના તે હરીફોની સરખામણીમાં થોડો ફાયદો આપશે, જેમના પર 19-20 ટકા ટેરિફ લાગેલો છે.
અમેરિકાની જાહેરાત પ્રમાણે ટેરિફ રશિયન ઓઈલ પર નહીં, પરંતુ ભારતીય ઉત્પાદનો પર ઘટાડવામાં આવ્યો છે. આ ડીલથી પેટ્રોલના ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
રશિયન ઓઈલ પર પ્રતિબંધ: આ કરાર મુજબ, ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાનું વચન આપ્યું છે. અત્યાર સુધી ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે તેલ ખરીદતું હતું, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને ટેકો મળતો હતો. હવે ભારતે અમેરિકા પાસેથી તેલ અને ઉર્જા ઉત્પાદનો ખરીદવા પડશે, જે રશિયન તેલ જેટલા સસ્તા ન પણ હોય.
ટેરિફમાં ઘટાડાથી કોને ફાયદો: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો (જેમ કે આઈટી, સ્ટીલ, કે ટેક્સટાઈલ) પરનો ટેરિફ 25% થી ઘટાડીને 18% કર્યો છે. આનો ફાયદો ભારતીય નિકાસકારો ને થશે, જેઓ અમેરિકામાં સામાન વેચે છે. આનો સીધો સંબંધ ભારતમાં પેટ્રોલના ભાવ સાથે નથી.
મોટી ખરીદીનું વચન: ભારતે આગામી 5 વર્ષમાં $500 અબજની ખરીદી અમેરિકા પાસેથી કરવાની છે. આનાથી ભારત-અમેરિકાના સંબંધો સુધરશે, પણ સ્થાનિક ઈંધણના ભાવ પર તેની તાત્કાલિક કોઈ રાહત દેખાતી નથી.



