અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરુદ્ધ સુર બદલાયા, કહ્યું પીએમ મોદી સાથે દોસ્તી કાયમ રાખશે

ન્યુયોર્ક : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યું છે. ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદતા અમેરિકા ભારત પર 50 ટકા ટેરિફ લાદયો છે. જોકે, તેની બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરુદ્ધ સુર બદલાયા છે. તેમણે હવે કહ્યું છે કે ભારત સાથે તેમના સબંધો ખાસ છે અને ચિંતાની કોઈ વાત નથી. ટ્રમ્પે કહ્યું તે ભારતના વડા પ્રધાન સાથે પોતાની દોસ્તી કાયમ રાખશે. પરંતુ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી કરવાથી નિરાશ છે.
પીએમ મોદી એક શાનદાર વડા પ્રધાન
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફીસમાં પત્રકારોની વાત કરતા જણાવ્યું કે, હું હંમેશા મોદીનો દોસ્ત રહીશ. તે એક શાનદાર વડા પ્રધાન છે. ભારત અને અમેરિકા વચ્ચે એક ખાસ સબંધ છે. ચિંતાની કોઈ બાબત નથી. ક્યારેક સમય એવો આવે છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે ભારત અને અમેરિકા બંને દેશો વચ્ચેના સબંધોમાં તણાવ ઉભો થયો છે.
અમેરિકાની ચિંતા વધી હતી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પીએમ મોદી, પુતિન અને જિનપિંગની જૂની તસવીર શેર કરી હતી. તેમજ લખ્યું હતું કે, આપણે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે. તેમને એક સાથે ખુશહાલ અને લાંબુ ભવિષ્ય મળે. ચીનમાં એસસીઓ સમિટમાં આ ત્રણ દેશના નેતાઓ એકસાથે જોવા મળતા અમેરિકાની ચિંતા વધી હતી. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટિપ્પણી કરી હતી.