US-INDIA: અમેરિકામાં રહેતા ‘ગેરકાયદે ભારતીયો’ને વતન પાછા લાવવા સરકાર તૈયાર
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ સત્તામાં આવતાની સાથે જ ગેરકાયદે અમેરિકામાં વસતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે, જેના કારણે અમેરિકામાં ગેરકાયદે રહેતા (જેમના વિઝાના દસ્તાવેજો પુરા નથી) લોકો ભયમાં મુકાયા છે. આ લોકોએ કાયદાકીય વિકલ્પોનો આશરો લેવાનું શરૂ કર્યું છે. ભારતમાં પણ આ અંગે ચિંતા છે. આ અંગે ભારત સરકારે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને કાયદેસર રીતે પરત લેવા માટે તૈયાર છે અને ભારત સરકારની સ્થિતિ હંમેશાં સૈદ્ધાંતિક રહી છે.
જયશંકરે શું કરી સ્પષ્ટતા
વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે જણાવ્યું હતું કે અમે હંમેશાં માનીએ છીએ કે જો અમારા નાગરિકોમાંથી કોઈ અહીં ગેરકાયદે વસવાટ કરી રહ્યું છે અને અમને જો ખાતરી છે કે તે અમારો જ નાગરિક છે તો અમે હંમેશા તેને ભારતમાં પરત લેવા માટે તૈયાર છીએ. ભારત ગેરકાયદેસર સ્થળાંતરનો સખત વિરોધ કરે છે. ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે જોડી દેવાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે.
આ પણ વાંચો…Los Angelesમાં વધુ એક વિકરાળ આગ ફાટી નીકળી; 50,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ
અમે ઈચ્છીએ છીએ કે ભારતના પ્રતિભાશાળી લોકો અને ભારતના કૌશલ્યને વૈશ્વિકસ્તરે મહત્તમ તક મળે. તે જ સમયે અમે ગેરકાયદે સ્થળાંતરનો વિરોધ માટે પણ ખૂબ જ મક્કમ છીએ. ભારતે હંમેશા અમેરિકા અને અન્ય દેશો સાથે એ વાત જાળવી રાખી છે કે જો કોઈ ભારતીય નાગરિક ગેરકાયદે તેમના દેશમાં રહેતો હોય તો તેને કાયદેસરની પ્રક્રિયાઓ દ્વારા ભારતમાં પાછો લેવા માટે તૈયાર છે.
અમેરિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા તૈયાર કરેલા દસ્તાવેજો અનુસાર અમેરિકામાં લગભગ 18,000 ભારતીય એવા છે કે જેની પાસે અમેરિકામાં રહેવા માટે પૂરતા માન્ય દસ્તાવેજો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર આવા ભારતીયોને ભારત પરત મોકલી શકે છે જે ચિંતાનું કારણ છે.